NotesWhat is notes.io?

Notes brand slogan

Notes - notes.io

1
બાળકોને ખપે છે દેશી હીરો વિદેશી નહીં
મુખ્ય પ્રવાહની ચેનલો પછી બાળકો માટેની ચેનલોની સૌથી વધુ માગ રહે છે. જોકે અત્યારે બાળકો માટેના શોઝ ઓછા અને બાળકલાકારો કામ કરતા વધુ જોવા મળે છે



અત્યારે વેકેશનનો સમય ચાલી રહ્યો છે અને વિશ્વભરના બાળકો કંટાળી રહ્યા હશે અને તેમના ફૂરસદના સમયમાં શું કરવું તેના વિશે અવઢવમાં હશે. મોટા ભાગના માતા-પિતા કામ કરતા હોય છે આથી યુવાન બાળકો ઘરમાં એકલા રહેતા હશે અને આથી પ્લેગ્રાઉન્ડ્સ અને બિલ્ડિંગ કમ્પાઉન્ડ્સ બાળકોથી ઊભરાઇ રહ્યા હશે. આથી અન્ય બાળકો માટે બીજો એક માત્ર વિકલ્પ રહે છે ટીવી. પણ પ્રશ્ન એ છે કે શું ટીવી તેમની ઉંમરને અનુરૂપ યોગ્ય વિષય ધરાવતા શોઝ આપી શકે છે? આ બાબતે જવાબ મેળવવા મેં કેટલુંક વિચાર્યું અને ટીવી ચેનલો સર્ફિંગ કરવાનું શરૂ કર્યું અને એ શોધવા પ્રયત્ન કર્યો કે ટીવી સેટ સાથે બાળકોને જકડી રાખે એવા આકર્ષક શોઝ છે કે નહીં. આશ્ચર્યની વાત એ જોવા મળી કે મનોરંજન ચેનલો પર એવા ઘણા બધા ટીવી શોઝ જોવા મળ્યા, જેમાં બાળકલાકાર હોય અથવા તો રિયાલિટી શોના સ્પર્ધક હોય, પણ વિશેષરૂપે તેમના માટે બનાવેલા શોઝ બહુ ઓછા જોવા મળ્યા. ચોક્કસપણે ફક્ત બાળકો માટેની એનિમેક્સ, સ્પ્લેશ, સ્પેસ ટૂન્સ, હંગામા અને ડિઝની જેવી ચેનલો છે અને તેમાં ફક્ત શહેરી બાળકોને ગમે તેવા શોઝ હોય છે અને મોટા ભાગના શોઝનો લક્ષ્યાંક કિશોર વયની શરૂઆતના અને યુવાન બાળકો હોય છે. પણ એ બાળકનું શું જેઓ આ ઉંમર વટાવી ચૂક્યા છે અને તેઓ પુખ્ત વયના ન બન્યા હોય અને જેઓ મેટ્રોઝમાં ન રહેતા હોય? વધુમાં આ બધા શોઝના વિષયો મોટા ભાગે અંગ્રેજીમાં અને અંગ્રેજી કલ્ચરના હોય છે, જે ગ્રામ્ય વિસ્તારોના બાળકો સમજી કે જોઇ નથી શકતા. આથી સૌથી મહત્ત્વની વાત એ છે કે ભારતીય ટીવી પર બાળકો માટેના સ્થાનિક કાર્યક્રમો બહુ ઓછા જોવા મળે છે.

એક આશ્ચર્યકારક બાબત કહું તો તમે વિચારતા હશો કે કાર્ટૂન નેટવર્ક, પોગો, ડિઝની અને હંગામા જેવી બાળકો માટેની ચેનલો છે, જે બાળકો જુએ છે અને તે તેના કરતાં લગભગ પાંચમા ભાગની છે, જે ચેનલો રપ અને ૪૪ વર્ષના દર્શકો જુએ છે અને લગભગ આ ચેનલોના દસ દર્શકમાંથી ચાર દર્શક ૧૪ વર્ષની ઉપરના છે. બાળકો માટેની ચેનલો ભારતની કુલ ચેનલોના ૬.૩ ટકા જ છે.

સેટેલાઇટ ટેલિવિઝનની શરૂઆત થઇ ત્યારથી જ ટીવી પર હિંસા, ક્રૂરતા કે નિર્દયતા માટે કોઇ જાતની સેન્સરશીપ નથી. બાળકના હાથમાં રીમોટ નામનું શસ્ત્ર આવે છે એટલે તેઓ હિંસાત્મક અને સેક્સી વિષયો ધરાવતા કાર્યક્રમો જોવા માડે છે, જે યુવાવર્ગના માનસ માટે યોગ્ય નથી.

ટીવીના કેરેક્ટર્સ ઘણી વખત બહુ ચીલાચાલુ હોય છે, જે રોજબરોજના જીવનમાં બાળકોની અપેક્ષાઓને ભાંગી નાખે છે. આથી આ બાબતે જોઇએ તો આપણા નિર્માતાઓએ બાળકોને યોગ્ય શોઝ બનાવવા જોઇએ, જે મુખ્ય પ્રવાહની ચેનલો પર તેમના માતા-પિતા સાથે બેસીને જોઇ શકે અને એ બાળકો માટે પણ, જેઓ બાળકોની વિશેષ ચેનલો જોઇ શકતા નથી. અત્યારના સમયમાં બાળકો માટેની ચેનલોમાં સ્પર્ધા પણ થઇ રહી છે. તાજેતરમાં ‘છોટા ભીમ’ જેવા સ્થાનિક પ્રોડકશનની સફળતા અને ભૂતકાળમાં જોઇએ તો દૂરદર્શન પર ‘શક્તિમાન’એ મેળવેલી સફળતા એ સચ્ચાઇ સાબિત કરે છે કે ભારતીય બાળકોમાં સ્થાનિક વિષયો વધુ લોકપ્રિય થાય છે, પણ એનો અર્થ એવો પણ નથી કે બાળકો માટેના દરેક ભારતીય કાર્યક્રમો હિટ થાય છે. દાખલા તરીકે, સહારા ટીવી પરના કાર્યક્રમ ‘ચાચા ચૌધરી’એ કંઇ ખરેખર ટીવીઆરનો મોટો આંકડો નોંધાવ્યો નહોતો, જ્યારે ‘છોટા ભીમ’ વિશે બેશકપણે કહી શકાય કે પ્રથમ સાચી રીતે સફળ થયેલી મૂળ ભારતીય કાર્ટૂન સિરિઝે એટલી મોટી લોકપ્રિયતા મેળવી હતી કે તેટલી લોકપ્રિયતા હજુ સુધી ફક્ત ડિઝની અને હેના બાર્બરા કાર્ટૂનને જ મળી છે. વધારાની શારીરિક તાકાત ધરાવતા બાળ નાયકનું કેરેક્ટર, સરળ કથાનક, ઝડપથી જીભે ચડી જતા સંવાદો શોને સફળ બનાવે છે. આવા શોઝ બાળકો માટે આદર્શ ગણાય અને તે મુખ્યપ્રવાહની ચેનલ માટે પણ બનાવી શકાય.

ભારત વિશાળ પાયે બહુવિધ સાંસ્કૃતિ ધરાવતો બહુભાષી દેશ છે.

બાળકોની ચેનલો પર ઉપલબ્ધ થતા આવા શોઝ માર્કેટમાં દર્શકો વધારવા માટે શરૂઆતમાં પડકારરૂપ હતા, કારણ કે તેની સામે આંતરરાષ્ટ્રીય શોઝ અંગ્રેજીમાં હતા. પ્રસારણકર્તાઓ આથી એવા શોઝને સ્થાનિક ભાષામાં ડબ કરી ભારતીય દર્શકો માટે સશક્ત બનાવવા લાગ્યા, જેથી તેમની આવક અને લોકપ્રિયતા વધે. આમ, બાળકોની ચેનલો પર હિન્દી, તમિલ, તેલુગુમાં અને મરાઠી અને બંગાળીમાં પણ કાર્યક્રમો ઉપલબ્ધ થવા લાગ્યા.

ભારતમાં મનોરંજન ચેનલો પછી સૌથી વધારે માંગ બાળકો માટેની ચેનલની છે. તેની સરખામણીએ જોકે, તેના દર્શકો ઓછા છે. જોકે, હવે બાળકો માટેની ચેનલોની સંખ્યા વધી રહી છે. સાપ્તાહિક ધોરણે અત્યારે તેમાં સખત સ્પર્ધા થઇ રહી છે. ભારતમાં બાળકો માટેની ચેનલોને નિર્માણ ખર્ચમાં વધારો અને જાહેરખબરના ઓછા દરો જેવા મુખ્ય પડકારોનો સામનો કરવો પડે છે.

વધુમાં બાળકોની ચેનલો મોટા પ્રમાણમાં દર્શકોને આકર્ષવામાં સશક્ત હોય છે. ‘બાલવીર’ અને ‘જિની ઔર જુજુ’ જેવા શોઝ બાળકોને ગમે છે કે નહીં તે હું નથી જાણતી, પણ મને લાગે છે કે હવે એ સમય આવ્યો છે જ્યારે બાળકો માટેના વધુ ને વધુ શોઝ બનવા જોઇએ, જે નાણાં પણ સારાં રળી શકે. અંતમાં, ટીવી ટૉક તરફથી બાળકોને દિવાળી મુબારક!
============================
2
અમરપ્રેમ પુષ્પા આઇ હેટ ટિયર!
‘અમરપ્રેમ’ સુપરહિટ ગઇ હોવા છતાંય તેને ફિલ્મફેરનો કલાકાર, સંગીતકાર, ગાયકનો એવોર્ડ નહોતો મળ્યો, પણ ટેક્નિકલ એવોર્ડ મળ્યા હતા.


પ્રાદેશિક ભાષામાંથી હિન્દીમાં જે ફિલ્મની રિમેક બને છે તેનો સાદો નિયમ એ હોય છે કે તે બનાવનારા મૂળ તે ભાષા પ્રદેશ સાથે જોડાયેલા હોય. દક્ષિણમાંથી બનેલી ઘણી ફિલ્મો યા બંગાળી ભાષામાંથી હિન્દીમાં બનેલી ફિલ્મો વિશે જો સંશોધન કરશો તો આ વિગત એકદમ સ્પષ્ટ થઈ જશે. અહીં તે બધી વિગતો નથી આપવી, પરંતુ ન્યુ થિયેટરની શરૂઆતની ફિલ્મોથી માંડી બિમલ રોય, આસિત સેન અને વિશેષ કરીને શક્તિ સામંતે બંગાળીમાં બની હોય તેના પરથી ઘણી ફિલ્મો હિન્દીમાં બનાવી છે. શક્તિ સામંતની તો ફેવરિટ હિરોઈન પણ બંગાળી શર્મિલા ટાગોર જ રહી છે. ‘કશ્મીર કી કલી’ દ્વારા હિન્દીમાં શર્મિલાને તેઓ જ લાવ્યા અને પછી ‘સાવન કી ઘટા’, ‘એન ઈવનિંગ ઈન પેરિસ,’ ‘આરાધના’થી માંડી કુલ ૧૨ ફિલ્મમાં (બંગાળી રિમેક સહિત) શર્મિલા ટાગોર છે, એજ રીતે રાજેશ ખન્ના સાથે તેમણે નવ ફિલ્મ બનાવી છે. રાજેશ - શર્મિલાની જોડી વિના તેમને જાણે ફિલ્મો બનાવવી ગમતી જ ન હોય તેવો તબક્કો લાંબો રહ્યો છે. ‘કટીપતંગ’ ફિલ્મમાં તેમણે આશા પારેખને ય એટલા માટે લીધી હતી કે શર્મિલા ટાગોર ત્યારે ગર્ભવતી હતી. જેવો તે પિરીયડ પૂરો થયો કે ‘અમરપ્રેમ’માં ફરી રાજેશ ખન્ના સાથે શર્મિલા આવી ગઇ. ‘અમરપ્રેમ’ એક જુદા જ પ્રકારની પ્રેમકથા છે. પતિ જેને તરછોડી દે છે તે પુષ્પા કોઠા પર પહોંચી જાય છે અને ત્યાં તેના ગાયનથી એક સુખી ઘરના પણ લગ્નભંગથી પીડાતા સંવેદનશીલ આનંદબાબુ આકર્ષાય છે. આ સંબંધ એવો છે જેમાં તેઓ એકબીજા પાસે કશું જ માગ્યા વિના એકબીજાનું જતન કરે છે. બેઉ સમાજથી ઉપેક્ષિત છે, ઘવાયેલા છે અને પીડા જ તેમને બાંધી રાખે છે. પીડા વડે જાણે પીડાનો કાંટો દૂર થાય તેવો આ સંબંધ છે. રાજેશ ખન્નાએ આ ફિલ્મમાં ધોતી-કુરતો અપનાવેલો. બંગાળની પશ્ચાદભૂમાં આકાર લેતી કથામાં અહીં જુદા જ સમયનાં પાત્રો હતા. વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની ‘નિશીપદ્મ’ વાર્તા પરથી બંગાળીમાં આ જ નામે ફિલ્મ બનેલી, જેના દિગ્દર્શક અરવિંદ મુખર્જી હતા. ઉત્તમકુમાર અને સવિતા ચેટર્જીએ તેમાં મુખ્ય ભૂમિકા ભજવેલી. બંગાળીમાં સુચિત્રા સેન ઉપરાંત સવિતા ચેટર્જીની તેમની સાથેની જોડી ખૂબ જ લોકપ્રિય હતી અને પંદરેક ફિલ્મોમાં તેઓ સાથે આવ્યા હતા. શક્તિ સામંતે જ્યારે હિન્દીમાં ફિલ્મનો વિચાર કર્યો ત્યારે રાજેશ ખન્નાનો નહિ રાજકુમારનો વિચાર કરેલો કારણ કે આ જરા જુદા પ્રકારની ફિલ્મ હતી પરંતુ રાજેશ ખન્નાએ ધરપત આપી કે હું પૂરી મહેનત કરીશ. શક્તિ સામંતે કહેલું કે તમારે વધુ કાંઈ નથી કરવાનું, ઉત્તમ કુમારની કોપી કરવાની છે. રાજેશ ખન્નાએ ઉત્તમકુમારવાળી ‘નિશીપદ્મ’ એક બે વાર નહીં, ચોવીસ વાર જોઈ અને બોલવા-ચાલવાની જ નહીં બધી જ બાબતોમાં ઉત્તમકુમારની અદા ઉતારી. ફિલ્મ રજૂ થઈ પછી ઉત્તમકુમારે જોયેલી ત્યારે પણ તેમનો પ્રતિભાવ એ જ હતો કે, ‘કુછ નહીં, અચ્છી કોપી કી હૈ.’ બંગાળીમાં ફિલ્મ બની ત્યારે ઉત્તમકુમારના પાત્રનું નામ અનંતબાબુ હતું, પણ હિન્દીમાં આનંદબાબુ થઈ ગયેલું. (‘આનંદ’ ફિલ્મમાં પણ રાજેશ ખન્ના ‘આનંદ’ જ છે) શર્મિલા ટાગોરે ‘મૌસમ’માંય વેશ્યાની ભૂમિકા ભજવી છે, પણ અહીં તે કોઠા પર ગાનારી બની હતી, પરંતુ ફિલ્મ પૂરી થતાં સુધીમાં ‘અમરપ્રેમ’ની પુષ્પા જાણે કોઈ પવિત્ર પ્રેમકથાની નાયિકા બની જાય છે. આમ બનવાનું કારણ તેની પટકથા અને સંવાદ પણ હતા. પેલા મૂળ ફિલ્મના દિગ્દર્શક અરવિંદ મુખર્જી જ આ ફિલ્મના પટકથાલેખક હતા અને રમેશ પંતે સંવાદ લખેલા. ‘પુષ્પા, આઈ હેટ ટિયર. ઈન્હેં પોંછ ડાલો’ યા ‘અગર કોઈ અપના ના હોકર ભી અપના લગે તો ઉસે કયા કહતે હૈ?’ જેવા સંવાદો આજે પણ ભુલાયા નથી.

આ ફિલ્મ વિશેષ બની તેના કારણમાં રાહુલ દેવ બર્મનનું જબરજસ્ત સંગીત પણ છે. રાજેશ ખન્ના પર ફિલ્માવાયા હોય એવા ત્રણ સોલો ગીત છે, જે કિશોરકુમારે ગાયા હતા. ‘ચિંગારી કોઈ ભડકે...’ ઉપરાંત ‘યે કયા હુઆ કૈસે હુઆ’, ‘કુછ તો લોગ કહેંગે’ ગીત સંગીતની રીતે તો ઉત્તમ છે જ, પણ આનંદ બક્ષીએ પાત્રની સંવેદના પણ તેમાં ખૂબ સહજ રીતે પકડી છે. ‘ચિંગારી કોઈ ભડકે’ ગીત વિશે તો એવું હતું કે પટકથામાં તેની જગ્યા જ નથી એટલે ન લેવાનું નક્કી થયેલું પણ લખાયું જ એવું હતું કે આનંદ બક્ષીએ જ્યારે એક સાંજે તે સંભળાવ્યું તો શક્તિ સામંતે કહી દીધું, ‘આ ગીત હું ક્યાંક ઉમેરીને જ રહીશ’ અને પછી તો હાવરા બ્રિજ નીચે તેનું શૂટિંગ કરાયું અને આજે પણ કિશોરકુમાર, આનંદ બક્ષી, રાહુલ દેવ બર્મનના શ્રેષ્ઠ ગીતોમાં તેનું સ્થાન છે. બીજી બાબત એ પણ છે કે રાહુલ દેવ બર્મનનું સંગીત છે, પણ આશા ભોસલેનું એકેય ગીત તેાં નથી અને બીજી ખાસ વાત કે સચિનદેવ બર્મને રાહુલદેવ બર્મનનાં સંગીતમાં ગીત ગાયું હોય તેવો આ પ્રથમ જ બનાવ હતો, ‘ડોલી મેં ઉઠાઈ કે કહાર...’

‘અમરપ્રેમ’ની પ્રેમકથા કાવ્યાત્મક ઊંડાણવાળી છે અને તેથી જ તેનું સંગીત પણ નોખું છે. આ કારણે જ ‘બડા નટખટ હૈ રે...’ જેવું ગીત શર્મિલા પર ફિ્લ્માવાયું હતું, જે કૃષ્ણને ઉછેરનાર માતાનું સ્મરણ કરાવે છે અને ‘રૈના બીતી જાયે...’ ગીત ક્લાસિકલ રીતે પણ ઉત્તમ છે. જોકે તેના માટે રાહુલદેવ બર્મનને, કિશોરકુમારને કે આનંદબક્ષીને ફિલ્મફેર એવોર્ડ નહોતો મળ્યો અને રાજેશ ખન્નાને પણ માત્ર બેસ્ટ એક્ટરનું નૉમિનેશન જ મળેલું. હા, શ્રેષ્ઠ સંવાદ, પટકથા અને શ્રેષ્ઠ સાઉન્ડના ફિલ્મફેર જરૂર મળેલા. પણ જવા દો, ફિલ્મફેર એવૉર્ડની વાત કરવા જઈશું તો ફિલ્મની સ્મૃતિનો સ્વાદ બદલાઈ જશે.
=================================
3
લાઇફ ઓફ પાઇઃ રોમાંચક અને ખતરનાક થ્રિલર
ઉપર આભ ને નીચે ધરતી પર ભયાનક પરિસ્થિતિ વચ્ચે એક જ જહાજમાં ૨૨૯ દિવસ ખતરનાક પ્રાણીઓ સાથે વિતાવનાર યુવાન પાઇને કેવી સમસ્યાનો સામને કરવો પડે છે તેનો ચિતાર ફિલ્મમાં અદ્ભુત રીતે પેશ થયો છે


ફિકશન જ નરી વાસ્તવિક્તા છે, એવી સિનેમા બાબતે દઢ માન્યતા છે ૫૮ વર્ષના સર્જક આંગ લીની. તેથી જ એક દાયકા અગાઉ તેમણે વાંચેલી યાન માર્ટેલની નવલકથા ‘લાઇફ ઓફ પાઇ’ પછી તેમના મનઃચક્ષુ સમક્ષ જીવન, મૃત્યુ, પાણી, આકાશ, માનવ, વાઘ, શક્તિ, ભય, શરીર, આત્મા, વાસ્તવિક્તા, એબસ્ટ્રેક્ટ વગેરે તત્વો વારંવાર છવાવા લાગ્યા. આવા ચિત્ર-વિચિત્ર વિચારોએ સર્જક લીને વિહ્વળ બનાવી દીધા. ત્યારે જ તેમણે ક્યારેક આ નવલકથા પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કરેલું, જે હવે વાસ્તવિક્તામાં પલટાઇ ગયું છે. તબુ, ઇરફાન ખાન, સૂરજ શર્મા, આદિલ હુસૈન, રેફ સ્પૉલ, ગેરાર્ડ ડીપાર્ડિયુ જેવા નામાંકિત અને નવોદિત કલાકારોએ હચમચાવી દેતી આ ફિલ્મ આપી છે, જે થ્રીડીમાં રજૂઆત માટે તૈયાર છે.

ફિલ્મની વાર્તા બહુ રોમાંચક અને રસપ્રદ છે. સોળ વર્ષનો પિસિન મૉલિટૉર ‘પાઇ’ પટેલ (સૂરજ શર્મા) ઘૂઘવતા સાગરની વચ્ચે ડૂબતા ફ્રેઇટરમાં એકમાત્ર એવી સાહસિક અને પરાક્રમી વ્યક્તિ છે, જે બંગાળના વાઘ, હિંસક હાઇના, ઘાયલ ઝેબ્રા અને ઉરાંગ ઉટાંગ સાથે અટવાઇ ગયો છે.

પિના પિતા (આદિલ હુસૈન) પોંડીચેરી પ્રાણી સંગ્રહાલયના માલિક છે. માતા (તબુ) અને નાનાભાઇ (અયાન ખાન) સાથે એકદમ આધુનિક લાઇફ સ્ટાઇલમાં રહે છે. પાંચમે વર્ષે પિતાએ પાઇ (ગૌતમ બેલુર)ને પ્રાણીઓમાં રસ લેતો કરેલો, પરંતુ સેકન્ડરી સ્કૂલમાં જ્યારે એને સહાધ્યાયીઓ પિસિન પટેલ કહીને ચીડવવા લાગ્યા ત્યારે હોંશિયાર હોવા છતાંય પાઇ શાળાના શિક્ષણને તિલાંજલી આપી દે છે. જન્મે હિંદુ હોવા છતાં ચૌદમે વર્ષે ખ્રિસ્તી અને ઇસ્લામ મજહબને એણે અપનાવ્યો. ત્રણ ધર્મ સ્વીકારવાનું એકમાત્ર કારણ ઇશ્વરને પ્રેમ કરવાનું હતું.

પોંડીચેરીની હવેલી અને પ્રાણી સંગ્રહાલયનો પટેલ પરિવાર કેનેડા વસવાનો નિર્ણય કરે છે. તેઓ સ્મૉલ ફ્રેઇટરમાં જવા નીકળે છે. તેમની સાથે પ્રાણી સંગ્રહાલયમાંથી લાવેલો પાઇનો મનગમતો બેંગાલ ટાઇગર પણ હતો, જેની સાથે મોજમસ્તી કરવા જતા તે ઘવાયેલો. અચાનક વાવાઝોડામાં જહાજ ડૂબવા લાગે છે, જેમાં બધા જ ડૂબી જાય છે, પરંતુ એકમાત્ર પાઇ અને તેની સાથે ટાઇગર, હાઇના ઝેબ્રા અને બુદ્ધિશાળી ઉરાંગ ઉટાંગ ઉગરી જાય છે.

હવે તેઓ જહાજમાં ફસાઇ ગયા છે અને દિવસો વિતતા જાય છે તેમ તેમ સંજોગો વિપરીત અને કપરા થતા જાય છે. ભૂખ્યાડાંસ હાઇનાએ ઝેબ્રા પર આક્રમણ કરીને ક્ષુધા સંતોષી. આથી ટાઇગરે પણ હાઇનાનો શિકાર કરીને તેની ભૂખ સંતોષી. ઉપર આકાશ અને નીચે સમુદ્રની વચ્ચોવચ્ચ રહેલો પાઇ બોટ પર પાણી અને ખાવાનો સંગ્રહ ઘટી જતા વિહ્વળ બની જાય છે. ટાઇગરને પાઇ પોતાની સાથે જ સંઘરેલો ખોરાક આપીને તેનો ખોરાક બનવામાંથી પોતાની જાતને ઉગારી લે છે. અંતે બંને ઘસડાતા જહાજ સાથે રહસ્યમય અને નિર્જન ફોરેસ્ટ આઇલેન્ડ પર આવી ચડે છે. હિંસક પ્રાણીઓ અને વિચિત્ર પરિસ્થિતિની વચ્ચે પાઇ અને ટાઇગરે લાઇફબોટમાં ૨૨૯ દિવસ વીતાવ્યા પછી લાઇફ બોટ મેક્સિકો બંદરે પહોંચતા ટાઇગર નાસી જાય છે અને પરગજૂ માણસો ચિત્તભ્રમ અવસ્થામાં રહેલા પાઇને ઉગારી લે છે.

યાન માર્ટેલે ૧૯૮૧ની બ્રાઝિલિયન લેખક મોઆસિર સિલરની ‘મૅક્સ એન્ડ ધ કેટ્સ’ નવલકથા પરથી આ વાર્તાની પ્રેરણા લીધી હતી. આંગ લીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે દસ વર્ષ અગાઉ વાંચેલી માર્ટેલની નવલકથા મેં વાગોળ્યા જ કરી હતી. આથી મનમાં તેની વાર્તાના ચિત્ર-વિચિત્ર વિચારો ઘમસાણ મચાવતા જ રહ્યા હતા. અંતે ફોક્સે ફિલ્મ બનાવવાની મને બાંયેધરી આપી ને ૧૦૦ મિલિયન ડૉલરનું જંગી બજેટ પાસ થયું અને મેં ફિલ્મ બનાવવાની હા પાડી. અગાઉ આ ફિલ્મ માટે અસંખ્ય નિર્દેશકો અને પટકથા લેખકો સંકળાયા હતા.

પાઇની ભૂમિકા માટે ૩૦૦૦ માણસોનું ઑડિશન લેવાયું હતું. અંતે ૧૭ વર્ષના દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થી સૂરજ શર્માની પસંદગી થઇ. તેણે આ ફિલ્મ માટે ઘણી મહેનત કરી હતી. તે કહે છે, મેં વાઘ સાથે ક્યારેય અભિનય નહોતો કર્યો. આંગ લી સરે મને એ સીન કરવાનો હોય ત્યારે મનમાં વાઘ ક્યાં ઉભો હશે તેની કલ્પના કરીને શોટ આપવાનું જણાવતા. આથી દરેક દશ્ય મને રીયલ લાગતું. ડેવિડ મૅગીનો સ્ક્રીનપ્લે, ક્લૉડિયો મિરાન્ડાની સિનેમેટોગ્રાફી અને આંગ લીનું નિર્દેશન, સહ-નિર્માણ અને ૧૨૭ મિનિટની અવધિ. આંગ લી જેવા કીમિયાગરના હૃદયસ્પર્શી સર્જનને ૨૧મી નવેમ્બરથી જોવા માટે સાબદા થઇ જાવ.
============================
4
ઓલ્ડ ઇઝ ગોલ્ડ તો હોના હી થા!



આજની વધતી જતી મોંઘવારી વચ્ચે આપણે જૂના સમયની સોંઘવારીની વાતો છાશવારે વાગોળિયે છીએ કે અમારા જમાનામાં તો પેટ્રોલ પાંચ રૂપિયે લિટર મળતું ને તેમાં સુગંધ પણ ખરા પેટ્રોલ જેવી આવતી. સોનું તો પહેલાં માત્ર પ૦૦ રૂપિયે તોલા હતું. તે વખતે મોંઢામાં સોનાની બત્રીસી ફીટ કરાવનારાઓના દાંત આજના ભાવ સાંભળી ખાટા નહીં થતા હોય. વિતેલા યુગની જેમ વિતેલા જમાનાના લોકોને પણ આપણે એટલી જ કુતૂહલતાથી યાદ કરીએ છીએ. અસાધારણ ક્ષમતા, પરાક્રમો કે પુરુષાર્થના જોરે અમરત્વ પામેલા પાંડવો, બુદ્ધ, શેક્સપિયરથી લઇ પ્રકૃતિકાળમાં યુગે-યુગે અવતરેલા મહાનતમ્ લોકોના ગુણગાન જગત ગાય છે ત્યાં સુધી કાયમ રહેવાના છે. આથી આવા ઐતિહાસિક પાત્રો ભજવવાનો મોકો મળે તો હૉલીવુડ ને બૉલીવુડના મોટા-મોટા સ્ટાર્સ પણ ડેટ્સ એડ્જસ્ટ કરવા ને ઓડિશન આપવા સુધી તૈયાર થઇ જાય છે.

દંતકથા સમાન ઐતિહાસિક પાત્રોને પડદા ઉપર સાકાર કરવા, કલાકારો તેમની કારકિર્દીની જ નહીં જીવનની શ્રેષ્ઠ તક માને છે.

આની સામે વિરોધાભાસ એ છે કે ઐતિહાસિક પાત્રો ભજવવા શાહરુખ, આમીર જેવા લોકપ્રિય કલાકાર માટે દુર્ભાગ્યપૂર્ણ બન્યાં છે તો બિનલોકપ્રિય કલાકારો માટે લાભકારક પણ બન્યા છે.

સતત પંદર વર્ષ સંઘર્ષ કર્યા બાદ મહાભારતમાં ભીષ્મપિતામહનું પાત્ર ભજવીને મુકેશ ખન્નાએ મેળવેલી લોકચાહના આજેય અકબંધ છે. આમ જ દસથી વધુ વર્ષ કામ કર્યા પછી પણ અભિનેતા તરીકે ઓળખ ન મેળવી શકનાર અરુણ ગોવિલ ‘રામાયણ’માં રામ ભગવાનનું પાત્ર ભજવી ઘેર-ઘેર પૂજાતા થઇ ગયા હતા.

વેઇટરની નોકરી કર્યા પછી હૉલીવુડમાં સંઘર્ષ દરમિયાન અભિનય છોડવા સુધીનું વિચારનારા અભિનેતા જિમ કેઝિવેલનું જીવન ‘પેશન ઓફ ક્રાઇઝ’ ફિલ્મમાં મળેલા ઇસુના રોલે બદલી નાખ્યું. વિધિની વક્રતા એ હતી કે ૧૫ વર્ષના અનુભવ છતાં દર્શકની નજરે ન ચઢનારો જિમ ઇસુના પાત્રમાં એટલો પ્રસિદ્ધ થઇ ગયો કે ર૦૦૬ની ‘સુપરમેન રિટર્ન્સ’માં તેની પસંદગી ફાઇનલ થતા એટલા માટે અટકી ગઇ કે દિગ્દર્શકને થયું કે તે સુપરમેનના પાત્ર માટે ખૂબ વધારે ફેમસ આર્ટિસ્ટ છે. તેમને લોકચાહના મળવા પાછળ ધાર્મિક દષ્ટિકોણ કારણભૂત હોઇ શકે. જોકે સરદાર વલ્લભભાઇ પટેલ તરીકે સ્વાંતત્ર્યસેનાનીનું પાત્ર ભજવી પરેશ રાવલને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક સુધી ખ્યાતિ પ્રાપ્ત થઇ હતી. આમ જ બાદશાહ અકબરના કેરેક્ટરે રીતિક રોશનને બેસ્ટ એક્ટર તરીકે પહેલો આંતરરાષ્ટ્રીય એવોર્ડ અપાવ્યો હતો.

મહાત્મા ગાંધી અને ગ્લેડિએટરનું પાત્ર ભજવી બેન કિંગસ્લે, રસેલ ક્રોવ જેવા ઘણા હૉલીવુડ કલાકારોએ ઑસ્કર અૅવોર્ડ સાથે વિશ્વપ્રસિદ્ધિ પણ મેળવી છે. અસામાન્ય ઘટનાઓ તેમ જ રસપ્રદ ઉતાર-ચઢાવથી પરિપૂર્ણ મહાન લોકોની જીવનગાથા દર્શકોનો મનગમતો વિષય રહ્યો છે. આ વાત ખ્યાલમાં રાખી હૉલીવુડના પ્રતિભાશાળી દિગ્દર્શકોની ફોજે એક તરફ આખી દુનિયા ખૂંદીને રોમન યોદ્ધા, જાપાની સમૂરાઇ, નેલસન મંડેલા સહિત ઘણા બધા મહાન જીવનચરિત્રો પર ફિલ્મ બનાવી છે. બીજી તરફ હિન્દી ફિલ્મ ઉદ્યોગના છેલ્લાં ૧૦૦ વર્ષના ઇતિહાસમાં ઐતિહાસિક પાત્રો પર ફિલ્મો ખૂબ ઓછી બની છે.

૧૨૧ કરોડની વસતિ ધરાવતા દેશમાં વિષયની કે ટેલેન્ટની ખોટ હોય તેવું લાગતું નથી. વિશ્વવિખ્યાત ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજન પર કોઇ ભારતીય દિગ્દર્શકની નજર પડી નથી. ૧૯મી સદીના આરંભમાં ર૦ વર્ષની વયે પોતાના મેથમેટિ્ક્સના જ્ઞાનથી દુનિયાને અચંબિત કરી દેનાર રામાનુજન એટલા માસ્ટરમાઇન્ડ હતા કે ગુલામીકાળમાં ભેદભાવ રાખતા અંગ્રેજોએ પણ તેમને ‘ફેલો ઓફ રૉયલ સોસાયટી’ની ઉપાધિથી ગૌરવભેર નવાજ્યા હતા. મેથમેટિક્સનું મહામૂલુ જ્ઞાન આપી માત્ર ૩૨ વર્ષની ઉંમરે તેઓ દુનિયાને અલવિદા કહી ગયા. તેમના જીવન પર હૉલિવુડ ફિલ્મ બનાવી રહ્યું હોવાનું કહેવાય છે.

સૃષ્ટિની રચના માટે કારણભૂત ઇશ્વરી કણ હિગ્સબોઝોનનું મૂળભૂત સંશોધન કરનાર વૈજ્ઞાનિક સત્યેન્દ્ર નાથ બોઝ પણ એટલા જ પ્રતિભાશાળી ભારતીય હતા. પોતે કરેલી અભૂતપૂર્વ શોધ પર અભ્યાસ કરનારા સંશોધકને નૉબેલ મળ્યો પણ પોતાને નહીં એ વાતને હસતે મોઢે લેનારા બોઝનું વ્યક્તિત્વ કેટલું મહાન હશે! તેમની અટક પરથી ઇશ્વરી કણને બોઝોન નામ અપાયું છે. તેમના સહિત યુગયુગાંતરે જન્મેલા ઘણા મહાન લોકોની સાહસગાથા કોઇક દિગ્દર્શકના સ્પર્શની રાહ જોઇ રહી છે.

દેવતા, સંત, વીર યોદ્ધા, સ્વાતંત્રસેનાની, સંશોધક અને તેનાથી કલાકાર સુધી ઐતિહાસિક પાત્રોનું ક્ષેત્ર બહુ જ વિશાળ છે. યોદ્ધાની જ વાત કરીએ તો તેમાં રાજા, સેનાપતિ, ક્રાંતિકારી જેવા મહાન લોકો આવે છે. ઐતિહાસિક પાત્રનો પૂર્ણ પરિચય મેળવવા છતાં અભિનેતા માટે તેને ભજવવું ને લેખક માટે લખવું સાધારણ પાત્ર કરતાં વધુ ચેલેન્જિંગ હોય છે. જે તે સમયકાળ મુજબની દરેક યોદ્ધાની ચોક્કસ બૉડીલેંગ્વેજ ને જીવનશૈલી હોવાથી તેમાં ઢળતા કલાકારોને ઘણી મહેનત કરવી પડે છે. પૃથ્વીરાજ કપૂર, મુગલ-એ-આઝમમાં જ્યારે અકબરનું પાત્ર ભજવતા હતા ત્યારે પાત્રમાં ઊંડા ઊતરવા તેઓ શોટ આપતા પહેલાં અરીસામાં જોઇ પોતાની જાતને કહેતા, ‘શહેનશાહ અકબર જા રહા હૈ.’ સેટ પર એન્ટ્રી કરતી વખતે પણ તેઓ ‘શહેનશાહ અકબર આ રહે હૈ..’ એમ પોકારી બાદશાહના અંદાજમાં જ પ્રવેશતા. પાત્રમાં ઢળવા અભિનેતાઓને શારીરિક ફેરફાર સિવાય તલવારબાજી, ઘોડેસવારીથી લઇ ઘણી આવડતોમાં મહારત હાંસલ કરવી પડે છે.

યોદ્ધાનું પાત્રાલેખન કરતાં એક વાત ખાસ ખ્યાલ રાખવામાં આવે છે કે યોદ્ધાના શરીરમાં પવન જેવી ઝડપ, મનમાં જંગલ જેવી શાંતિ, હૃદયમાં અગ્નિ જેવી જ્વાળા અને ઇચ્છાશક્તિમાં પહાડ જેવી અડગતા હોવી જોઇએ. ગ્લેડિયેટરમાં શૂરવીર મેક્સિમસ (રસેલ ક્રોવ) પણ માઠા સંજોગોમાં શાંત રહી ગુલામ બનવાનું મંજૂર કરી લે છે, પણ તે સ્થિતિમાં પણ તે ન ડગીને કેવી રીતે પોતાની ગરિમા જાળવી રાખે છે તે તેના પાત્રને વધુ હાઇટ આપે છે.

ગ્લેડિયેટરે મેળવેલી અભૂતપૂર્વ સફળતા પીરિયડ ફિલ્મો માટે પ્રોત્સાહનરૂપ સાબિત થઇ અને હૉલીવુડમાં પીરિયડ ફિલ્મોનો શરૂ થયેલો એકધારો પ્રવાહ ભારતીય દર્શકોને આકર્ષવામાં પણ સફળ રહ્યો. એવું તે શું છે પીરિયડ ફિલ્મોમાં તેની ચર્ચા કરીશું અહીં જ આવતા મેટિનીમાં...
======================
5
હેપ્પી ન્યૂ યરઃ ગુજરાતી કલાકારોની નવા વર્ષે નવી દિશા


નવા વર્ષની આજની સલોણી સવાર દરેક ગુજરાતીઓ માટે શુભવંતી છે. બેસતા વર્ષનો આજનો દિવસ ગુજરાતીઓ માટે મોટી ઉજવણીનો દિવસ છે. વર્ષો જૂની પરંપરા પ્રમાણે દિવાળીમાં દીવડા પ્રગટાવવા, રંગોળી પૂરવી, નવા નવા ફરસાણો બનાવવા આ બધી ઉજવણી બહુ ઉત્સાહથી થાય છે. એ જ રીતે ગુજરાતી કલાકારોમાં ફિલ્મના હોય કે ટીવી કે સંગીત જગતના મહારથીઓ એ પણ દિવાળી પૂરજોશમાં મનાવે છે અને વિવિધ રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરવા સાથે મોટી ઉજવણી કરે છે. જાત-જાતના સંકલ્પો કરે છે. ચાલો આપણે જોઇએ આપણા આ કલાકારો નવા વર્ષે શું નવું કરવાના છે અને તેમની નવા વર્ષની શરૂઆત કેવી રીતે થવાની છે.

મેટિનીના વાચકોને પણ નવા વર્ષની ખૂબ શુભેચ્છા સાથે નવું વર્ષ મંગલમય હો.



પંકજ ઉધાસઃ નવા વર્ષે અજમાયશ હશે મ્યુઝિક ડિરેકશન

વાહ, જનાબે ઉમદા ગઝલ ગાયક પંકજ ઉધાસ આ વર્ષે ફિલ્મોમાં સંગીત દિગ્દર્શક તરીકે ઉભરી રહ્યા છે. હવે તે ફિલ્મોમાં પણ સંગીત આપશે. પંકજભાઇ કહે છે, છેલ્લા ૧૦ વર્ષમાં હું દેશ-વિદેશમાં મારી ગઝલ કોન્સર્ટ્સ કરવામાં જ વ્યસ્ત રહેતો હતો, આથી હું ઇચ્છતો હતો તેવા રચનાત્મક કાર્યો નહોતો કરી શક્તો. આથી હવે હું કોન્સટ્઱્સ સાથે નવી નવી પ્રવૃત્તિઓ કરવાનો છું. નિર્માતા આકાશદીપની બે ફિલ્મમાં બે-બે ગીત મારા કમ્પોઝ કરેલા હશે. જાન્યુઆરી મહિનામાં મારું પ્રથમ કૃષ્ણ ભજનનું આલબમ બહાર પાડવાનો છું. નઝમના બાદશાહ કહેવાતા સ્વ. સાહિર લુધિયાનવીની નઝમોનું આલબમ પણ આ વર્ષે બનાવવાનો છું. પંકજભાઇ કહે છે, દિવાળી મારા માટે બહુ મોટું પર્વ છે. હું, ફરીદા અને મારી બંને પુત્રી બધી જ દિવાળી ઘરમાં જ પરંપરાગત રીતે મનાવીએ છીએ.

----

હિમેશ રેશમિયાઃ ફરી ડિસેમ્બરમાં લંડનનું વૅમ્બલી સ્ટેડિયમ

સંગીત જગતના સચિન તેંડુલકર હિમેશ રેશમિયા તેમની આ દિવાળીની ઉજવણી તેમની ફિલ્મ ‘સન ઓફ સરદાર’ની રિલીઝ સાથે ઉજવી રહ્યા છે. આ શુભ પર્વના દિવસે તેઓ પૂજા-પાઠ પણ કરે છે. દિવાળીના દિવસે રજૂ થયેલી તેમની આ ફિલ્મ તે થિયેટરમાં દર્શકો સાથે બેસીને જોવાના છે. આ ઉપરાંત અત્યારે યશ ચોપરાની બહુચર્ચિત ફિલ્મ ‘જબ તક હૈ જાન’ પણ તે તેમના કુટુંબ અને મિત્રો સાથે જોવા જવાના છે. દિવાળીનું પર્વ શુભ હોવાથી તે દિવસે અને નવા વર્ષની શરૂઆતમાં તે ૧૬ ડિસેમ્બરમાં લંડન ખાતે વૅમ્બ્લી સ્ટેડિયમમાં થનારી તેમની મ્યુઝિક કોન્સર્ટનું રીહર્સલ પણ કરી રહ્યા છે. ૨૦૦૬માં પણ તેઓ ત્યાં જ ભવ્ય કોન્સર્ટ કરી ચૂક્યા છે. અત્યારથી જ લંડનથી ડિમાંડ થઇ રહી છે કે હિમેશ તેમની ‘ખિલાડી ૭૮૬’ ફિલ્મના ગીતોની મેડલી રજૂ કરે. આ ફિલ્મના ગીતો અત્યારે ટોપ ચાર્ટ પર છે. ૩૮ વર્ષના હિમેશભાઇ હજુ પણ માને છે કે તેમની જર્ની તો હવે શરૂ થઇ છે. સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી હિમેશને સચિન તેન્ડુલકર માને છે અને તે હિમેશે ૬૦૦ જેટલા સુપરહિટ ગીતો આપીને સાબિત કરી દીધું છે.

---

સંજય છેલઃ નયા દાવ નઇ ગિલ્લી

હા, ‘ખૂબસૂરત’ ફેઇમ દિગ્દર્શક અને અનેક સફળ ફિલ્મોના ગીતકાર સંજય છેલ એટલે તેમની અટકની જેમ વાયડા નથી, પણ સ્ટ્રેઇટ ફોરવર્ડ થઇને કહે છે, મારું માનવું છે કે કોઇ પણ દિવસ મારા માટે નવો દિવસ જ હોય છે. એટલે ખાસ કરીને હું નવા વર્ષના દિવસે કોઇ વિશેષ ઉજવણી કરતો નથી. હા, દિવાળી હું જરૂર મનાવું છું અને મને પેઇન્ટિંગ્સ બનાવવાનો બહુ શોખ હોવાથી મેેં આ વર્ષે એક્રેલિક કેનવાસ પર કલરફૂલ રંગોળી પણ બનાવી છે. દિવાળી હું મારા કુટુંબ સાથે જ મનાવું છું. વળી, આ વર્ષ મારું આમ પણ બહુ સારું જવાનું છે, કારણ કે ઘણા લાંબા સમય પછી હું ફરી દિગ્દર્શન કરવાનો છું. નવી બે ફિલ્મ સાઇન કરી છે, જેનું દિગ્દર્શન હું પોતે કરીશ. તેમાં એક કૉમેડી એ બીજી ડ્રામેટિક ફિલ્મ હશે. તેની સ્ક્રીપ્ટિંગ પર કામ ચાલુ છે. તેમાં રીષિ કપૂર અને પરેશ રાવલનું કાસ્ટિંગ પણ થઇ ગયું છે. આ ઉપરાંત હું સાજિદ ખાનની એક ફિલ્મ પણ લખી રહ્યો છું.

---

દિશા વાકાણીઃ જીવનમાં પરિવર્તન તો થવું જોઇએ ને!

‘તારક મહેતા...’ની લોકપ્રિય દિશા વાકાણી સિરિયલમાં અને અંગત જીવનમાં બહુ જુદી છે. દિશા કહે છે, આ વર્ષની મારી દિવાળી દર વર્ષની જેમ જ છે. નવા વર્ષે કોઇ પ્લાનિંગ નથી. જોકે, તે એમ પણ કહે છે કે મારા હજુ લગ્ન નથી થયા. પતિ અને બાળકો હોય તો હજુ જીવનમાં કંઇક ખુશી અને ઉત્સાહ હોય. નવા નવા પ્લાનિંગ હોય. નવું જીવન હોય. પણ કાશ...! અભી દિલ્હી દૂર હૈ. ભગવાનની મરજી. (આપણે નવા વર્ષની શુભેચ્છા આપીએ કે તેમની ઇચ્છા પૂરી થાય) ખેર, નવા વર્ષે આમ તો હું ઘરમાં જ છું. ક્યાં જઇશ, શું કરીશ કંઇ વિચાર્યું નથી, પણ મુંબઈ સમાચારના વાચકોને હું દિવાળી તથા નવા વર્ષની શુભેચ્છા આપું છું.

---

દિલીપ જોશીઃ જગન્નાથપુરી સાથે મારી ચાર પીઠની યાત્રા પૂરી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી એટલે આપણા ગુજરાતીઓના માનીતા કલાકાર. દિલીપ જોશી દિવાળીના પર્વ વિશે ઉત્સાહિત થઇને કહે છે, દર વર્ષે હું દિવાળીમાં મુંબઈની બહાર કોઇ જાત્રાના સ્થળે જવાનું જ પસંદ કરું છું. ગયા વર્ષે હું બદ્રીનાથ ગયો હતો. આ વર્ષે હું મારા માતા-પિતા અને કુટુંબ સાથે જગન્નાથ પુરી જવાનો છું. મને કોઇ સુંદર સ્થળનું સાઇટ સીઇંગ કરવું તેના કરતા યાત્રાના સ્થળે ભગવાનના આશીર્વાદ લેવાનું બહુ ગમે છે. ઘણા વર્ષથી મારી ઇચ્છા છે કે હું કૈલાસ માનસરોવરની યાત્રા કરું, જે આ વર્ષે પૂરી કરવાની બહુ ઇચ્છા છે.
=================================================================
6
ડો. જેકિલ એન્ડ મિ. હાઇડઃ જંગ સચ્ચાઇ સામે બુરાઇનો
માનવ પરિવર્તનની કથા ધરાવતા આ નાટકમાં એક જ માણસના સારાઇ અને બુરાઇના બે રૂપ દર્શાવીને માનવમનની અગાધતા અને ઊંડાણને રજૂ કર્યા છે


દિવાળીના પર્વની ઉજવણીનો આરંભ રાવણનો વધ કરીને રામ અયોધ્યા પાછા પધાર્યા એની ખુશીમાં થયો. અચ્છાઇએ બુરાઇ પર જીત મેળવી પણ એ જ રામ એક ધોબીની વાત સાંભળીને સીતાજીનો ત્યાગ કરવાના કારણે આજ સુધી ટીકાને પાત્ર બન્યા છે. તો સામે પક્ષે અહંકારી અને રાક્ષસી અવગુણો ધરાવતો રાવણ પણ એના કેટલાક સારા ગુણો અને વિદ્વતાના કારણે લોકોમાં વખણાયો છે. એમ કહેવાય છે કે રાવણ એટલો વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણ હતો કે રામેશ્વરના લિંગની પ્રાણપ્રતિષ્ઠા રામે રાવણ પાસે કરાવી હતી. શિવમહિમા સ્તોત્રની રચના પણ રાવણે જ કરી છે એવું માનવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય એ જ કે કોઇ પણ વ્યક્તિ સંપૂર્ણ સારી કે સંપૂર્ણ ખરાબ હોય એવું શક્ય જ નથી. ફક્ત સારા-ખરાબ ગુણોની માત્રામાં ફેરફાર થાય છે અને આથી એ માણસ સારો કે ખરાબ ગણાય છે. આ સત્યને સદીઓથી માન્યતા મળી છે. ઓગણીસમી સદીમાં રોબર્ટ લુઇ સ્ટિવનસન્સ દ્વારા લખાયેલી ‘સ્ટ્રેન્જ કેસ ઓફ ડૉ. જેકિલ એન્ડ મિ. હાઇડ’ મહાનવલકથાનું વીસમી સદીમાં લેસ્લી બ્રિક્સે ‘જેકિલ એન્ડ હાઇડ’ નામે નાટ્યરૂપાંતર કર્યું અને આજે એકવીસમી સદીમાં એપ્રિલ ર૦૧૩માં ફરી પાછું એ સ્ટેજ પર રિવાઇવ થવાનું છે. આ જેકિલ એન્ડ હાઇડ ઉપલા સત્યને વધુ નક્કરરૂપે ફરી પાછું આપણી સમક્ષ લાવે છે.

જીનિયસ ડૉ. હેન્રી જેકિલ એક પ્રયોગ કરવા માગે છે. તેમનું માનવું એમ છે કે માણસમાં રહેલી બુરાઇઓ અને અચ્છાઇઓને જુદી પાડી શકાય છે અને જો એ જુદી પડે તો બુરાઇઓને સંપૂર્ણ રીતે હટાવી શકાય છે. તેઓ પોતાની એમ્મા સાથે સગાઇના દિવસે સમાજના મોટા ધર્મગુરુઓ અને વિદ્વાનો સામે આ પ્રયોગની વાત રજૂ કરે છે. ડૉ. જેકિલ એવું ઇચ્છે છે કે આ પ્રયોગ કરવા માટે એમને કોઇ જીવંત વ્યક્તિ મળે. સમાજના વિદ્વાનો અને કહેવાતા ધર્મગુરુઓ એની આ વાતને હસી કાઢે છે અને આવો કોઇ પ્રયોગ કરવાની મનાઇ ફરમાવે છે.

ડૉ. જેકિલ પોતાના પ્રયોગમાં પીછેહઠ કરવા નથી માગતા. તેમની વાગ્દત્તા એમા તેમને સંપૂર્ણ રીતે સમજીને તેમના દરેક પ્રયોગમાં ટેકો આપવા તૈયાર છે. તો બીજી બાજુ મિત્રો સાથે અચાનક બારમાં જઇ ચડેલા જેકિલને ત્યાંની ડાન્સર લુસી પણ ચાહવા માંડે છે. ડૉ. જેકિલ પ્રયોગશાળામાં એક ડાયરીમાં બધી નોંધ રાખે છે અને પોતાના પર જ પોતાનો પ્રયોગ અજમાવવાનો નિર્ણય કરે છે. પોતે તૈયાર કરેલા મિશ્રણનું ઇન્જેકશન લે છે. શરીરમાં થતા ફેરફારોની નોંધ લેવાનું શરૂ કરે છે.

શહેરમાં અચાનક આતંક ફેલાય છે. વારાફરતી સમાજના માંધાતાઓ, લંપટ ધર્મગુરુઓના ખૂન થવા માંડે છે. ખબર પડે છે કે એડવર્ડ હાઇડ નામનો એક માણસ છે, જે ખૂબ જ વિકરાળ અને ક્રોધી છે એ બધા ખૂન કરતો જાય છે અને કર્યા બાદ ક્યાં ગૂમ થઇ જાય છે તેની કોઇને ખબર પડતી નથી. ડૉ. જેકિલ પોતાની લેબોરેટરીમાં દિવસો સુધી પ્રયોગ કરવામાં ગૂંથાયેલા છે. એમને મળવા જ્યારે એમનો વકીલ મિત્ર જ્હોન ઉટરસન પહોંચે છે ત્યારે એને જાણ થાય છે કે ડૉ. જેકિલ ખૂબ જ અસ્વસ્થ છે. જ્હોનને એ વાતની પણ જાણ થાય છે કે ડૉ. જેકિલે પોતાનું વિલ બનાવ્યું છે અને એમાં પોતાની મિલકત એડવર્ડ હાઇડના નામે લખી આપી છે. જ્હોનને શંકા થાય છે કે કદાચ આ હાઇડે ડૉ. જેકિલ પાસે જબરદસ્તી વિલ લખાવ્યું છે.

ધીરે ધીરે એક એક રહસ્ય ઉકેલાતા જાય છે. જ્હોનને ડૉ. જેકિલની નોંધપોથી થકી જાણ થાય છે કે ડૉ. જેકિલે પોતાના પર જ પ્રયોગ કર્યો છે અને એના પરિણામસ્વરૂપે ડૉ. હાઇડમાં રૂપાંતર થતું હોય છે. પછી એવું બને છે કે કોઇ પણ પ્રકારની દવા કે ઇંન્જેકશન લીધા વગર જ હાઇડ ડૉ. જેકિલ પર હાવી થવા માંડ્યો છે અને એ શહેરમાં ફરી આતંક મચાવે છે. એમા અને લ્યુસીનો પ્રેમ પણ ડૉ. જેકિલને હાઇડ બનતા રોકી શકતો નથી. પોતાનું સંપૂર્ણપણે હાઇડમાં રૂપાંતર થઇ જાય એ પહેલાં ડૉ. જેકિલ આખરે પોતાની જાતને તલવાર ભોંકીને મોત નોતરી લે છે.

માનવમનના ઊંડાણ, અગાધતા, અચ્છાઇ-બુરાઇનો જંગ, તેમાંથી નિષ્પન્ન થતો. સંઘર્ષ વગેરે પાસાં ‘જેકિલ એન્ડ હાઇડ’ નાટકમાં અત્યંત ખૂબીપૂર્વક પેશ કરવામાં આવ્યા છે. ડૉ. જેકિલનું હાઇડમાં રૂપાંતર આપણી નજર સામે થતાં જોવું એ એક લહાવો છે. એક સેકંડની અંદર એ માણસ એક સુશિક્ષિત, જવાબદાર નાગરિકમાંથી ખૂંખાર ગુનેગાર અને ઝેરીલો ખૂની બની જાય છે. આપણી નજર સામે બનતો હોવા છતાં આપણે એમ જ માનવા માંડીએ છીએ કે નક્કી આ કોઇ બીજો જ માણસ છે. સુંદર ઇંગ્લિશ ક્લાસિકલ ગીતો પોતાના પહાડી અવાજમાં ગાનાર ડૉ. જેકિલ જ્યારે હાઇડ તરીકે ગીતો ગાય છે ત્યારે એની અદા જ બદલાઇ જાય છે. એક ગીતમાં ડૉ. જેકિલ અને હાઇડનું વારંવાર રૂપાંતરણ થાય છે. તેમાં લાઇટની અદ્ભુત ડિઝાઇનની પરિકલ્પના જોવા મળે છે. આવો હટ્ટોકટ્ટો યુવક ખૂન કરીને આંખના પલકરામાં સ્ટેજ પરથી માત્ર લાઇટિંગના જાદુ અને ધુમાડાની મદદથી જ અદશ્ય થઇ જાય છે. ગોળ ફરતાં નહીં પણ આગળ-પાછળ અને ડાબે-જમણે સરકતા સ્ટેજ પર ડો. જેકિલનું ઘર, પ્રયોગશાળા, બેડરૂમ, શહેરના રસ્તાઓ, બાર, લ્યુસીનો હોટેલનો રૂમ વગેરે આબેહૂબ અને એકદમ ત્વરાથી ફેરવાઇ જાય છે. ડૉ. જેકિલને પ્રેમ કરનારી બે સ્ત્રીઓ એમ્મા અને લ્યુસી શોને સંપૂર્ણ ગ્લેમર પૂરું પાડે છે. દેખાવડી, ઠરેલ, પીઢ એમ્મા અને સેક્સી, તરવરાટ ભરેલી, ચુલબુલી લ્યુસી એવી એકબીજાથી તદ્દન ભિન્ન પ્રકૃતિ ધરાવતી સ્ત્રીઓ ડૉ. જેકિલને એકદમ દિલોજાનથી અને ઉત્કટતાથી ચાહે છે, જે બતાવે છે કે સમાજના કોઇ પણ સ્તરમાંથી આવતી વ્યક્તિ કોઇ પણ વ્યક્તિને ચાહી શકે છે. પ્રેમ કરવા માટે કોઇ તર્ક કે દલીલો કામ નથી કરતા.

સુંદર ગીત-સંગીત, નૃત્યરચના, કલાકારોની ગાયકી અને અભિનય આ નાટકના જમાપાસાં છે. ૧૯૯૦થી શરૂ થયેલું આ નાટક આજ સુધી વારંવાર રીવાઇવ થઇને અનેક સિદ્ધહસ્ત કલાકારો દ્વારા જુદાં જુદાં શહેરોમાં ભજવાઇ ચૂક્યું છે. એપ્રિલ ૨૦૧૩માં બ્રોડવે પર ફરી પાછું રજૂ કરવાની તૈયારી મ્યુઝિક ડાયરેક્ટર ફ્રેન્ક વિલ્ડોમ કરી રહ્યા છે. બ્રોડવેનાં નાટકો માટેના જેટલા એવોર્ડસની જાહેરાત થાય છે તેમાં દરેકમાં આ નાટક કોઇને કોઇ કેટેગરીમાં તો નોમિનેટ થયું જ છે અને એવોર્ડ્સ પણ જીત્યું છે. આજે બ્રોડવે અત્યંત આધુનિક સેટ ડિઝાઇનિંગ અને કમ્પ્યુટર ટેકનિક વડે સજ્જ છે. ત્યારે આ અતિ જૂના અને જાણીતા વિષયને નવી જ માવજત વડે નવા વાઘાં આપીને જ્યારે રજૂ કરવામાં આવશે ત્યારે એ કેટલો રોમાંચક હશે તેની પ્રેક્ષકો અને સમીક્ષકો આતુરતાથી વાટ જોઇ રહ્યા છે.
=====================
7
રાગ બાગેશ્રીના રંગરૂપ
આ રાગના રૂપને તમારી ગાયિકી અને સાધનામાં પણ રજૂ કરો તો તેના વાઇબ્રેશન રચાય છે. આ રાગ ભક્તિ અને શ્રુંગારરસનો રાગ કહેવાય છે, પણ ભક્તિમાં પણ ઘણા પ્રકાર હોય છે.


રાગ બાગેશ્રી કાફી થાટમાંથી ઉત્પન્ન થયો છે. આ રાગ ભક્તિ અને શ્રુંગાર રસનો રાગ છે. તેની પ્રકૃતિ જોકે, ગંભીર છે. મોટા ભાગે મધ્યરાત્રિએ તેનું ગાયન કરી શકાય છે. આ રાગ સંપૂર્ણ ઓડવ જાતિનો છે. તેમાં કોમળ ગ અને નિ માઇનર સ્વરો છે. તેની વાદી મધ્યમ અને સંવાદી ષડજ છે. આ રાગનું રૂપ કયા સ્વરોને આભારી છે તે જોઇએ તો તેનો ‘સા’ સ્વર શાંત પ્રકૃતિનું વાતાવરણ રચે છે, પછી મંદ્ર સપ્તકનો ‘નિ’ લગાવીએ તો એવો ભાવ ઉત્પન્ન થાય કે તમે તમારી જાતને કોઇને શરણે કરી રહ્યા હોવ. તે પછી શુદ્ધ ‘ધ’ લગાવીએ તો તેમાંથી શ્રુંગાર રસ નીતરે છે. તે પછી ફરી ‘સા’ લગાવીએ તો તેમાંથી ઉલ્લાસનો પ્રભાવ વેરાય છે. તે પછી તેનો ગાંધાર અતિ કોમળ લાગે છે. અતિ કોમળ એટલે કે તેમાં નાના સ્વરોમાંથી નીકળતા નાજુક સાઉન્ડ ઘણા બધા શ્રુંગાર રસનો ભાવ તૈયાર કરે છે. તે પછી મધ્યમ સ્વર લાગે તો તેમાંથી સમગ્ર વિશ્વ તમારી સમક્ષ ઊભું હોય તેવો અહેસાસ થાય છે. આમ, સા,ગ,મ એ ત્રણેય સ્વર આ સંસારની ભક્તિ અને પ્રેમભાવનાના વાઇબ્રેશન રચે છે. જેમ કે મધ્ય સપ્તકનો ‘ધ’ લાગે છે તે અદ્દલ એવો ભાસ ઊભો કરે છે કે કોઇ તમને બોલાવી રહ્યું છે. આમ, રાગના દરેક સ્વરો કોઇ ને કોઇ ભાવનાને પ્રસ્તુત કરે છે. તે પછી લાગતા મધ્ય સપ્તકના નિષાદ અને ગાંધારમાંથી સમગ્ર સંસારનો પ્રેમ અને શાંતિનો અહેસાસ થાય છે. તે પછી છેલ્લે તાર સપ્તકનો ‘સાં’ લાગે છે, જેમાં આપણે સુંદર વિશાળ આકાશમાં વિલીન થઇ રહ્યા હોય તેવો ભાવ ઉત્પન્ન થાય છે. આ રીતે દરેક રાગના એકેએક સ્વર જુદો જુદો પ્રભાવ અને વાઇબ્રેશન રચે છે. આ રાગના રૂપને તમારી ગાયિકી અને સાધનામાં પણ રજૂ કરો તો તેના વાઇબ્રેશન રચાય છે. આ રાગ ભક્તિ અને શ્રુંગારરસનો રાગ કહેવાય છે, પણ ભક્તિમાં પણ ઘણા પ્રકાર હોય છે. જેમકે, ઇશ્વરની ભક્તિ ને શ્રદ્ધાને તમે આધ્યાત્મિક ભક્તિ કહી શકો. જે ‘સા, ગ, મ’ એ ત્રણેય સ્વરમાંથી ઉત્પન્ન થાય છે. જ્યારે તમે માતા-પિતાની ભક્તિ કરો તો તે શ્રુંગાર રસ કહેવાય, કારણ કે તે સંસારની ભક્તિ છે. તેમાં પણ તે જ સ્વરો આ રસ ઉત્પન્ન કરે છે. કોઇ પણ રાગનું રૂપ તેને જોનારની પદ્ધતિ પર અને તે રાગને કયા દષ્ટિકોણથી રજૂ કરે છે તેના પર આધારિત હોય છે. કોઇ પણ રાગરૂપના સાચા વાઇબ્રેશન ઉત્પન્ન કરવા એ દરેક માટે ખાવાના ખેલ નથી. તેના માટે રાગ-રાગિણીનો ઘણો બધો રિયાઝ કરવો પડે છે, કેમ કે દરેક સૂર હવામાંથી ઉત્પન્ન થાય છે, ખાસ કરીને વૉકલમાં અને ઇન્સ્ટ્રુમેન્ટમાં સ્ટ્રીંગ દ્વારા તેના વાઇબ્રેશન બહાર આવે છે. આથી જ વૉકલ અને સ્ટ્રીંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં થોડો જુદો પ્રભાવ જોવા મળે છે, પરંતુ તેનું મુખ્ય રૂપ તો સરખું જ પ્રભાવશાળી હોય છે. રાગ-રાગિણી ટેક્નિકલ ડેવલપમેન્ટ છે, જેના કારણે વૉકલ અને ઇન્સ્ટ્રુમેન્ટ બંનેમાં એક જ ટેક્નિકથી રાગરૂપનો વિચાર થાય છે. બાગેશ્રીમાં મધ્ય સપ્તકના ‘ધ, નિ’ અને તાર સપ્તકનો ‘સાં’ એ ત્રણેય સ્વરમાંથી શ્રુંગાર રસ અને વિરહ શ્રુંગાર રસનો પ્રભાવ પણ જોવા મળે છે.

બાગેશ્રી રાગનો આરોહ સા ગ મ ધ નિ સાં અને અવરોહ સાં નિ ધ પ મ ગ રે સા છે. તેમાં જો ‘ધ પ ધ નિ’નો પ્રયોગ કરીએ તો તેમાંથી સંસારની સુંદરતા જોવા મળે છે. આ રીતે રાગના ઘણા બધા ટેકનિકલ ડેવલપમેન્ટનો પ્રયોગ કરવો જરૂરી છે. તો જ રાગના વાઇબ્રેશનની સાચી અસર વર્તાય છે. જોકે, કોઇ પણ રાગ આધ્યાત્મિક અને શ્રુંગારરસ પર જ આધારિત હોય છે. એક રાગને જાણવો કે ઓળખવો તેને જ સંગીતની સાચી સાધના કહેવાય.

બધા જ રાગ આપણા સામાન્ય જીવનના દરેક તત્વ સાથે જોડાયેલા હોય છે. આપણે તેને કેટલા પ્રમાણમાં ઓળખી કે જાણી શકીએ છીએ તે સંગીતની સાધના પર આધારિત હોય છે.
==========================
8
સુણો ભૂતપ્રેતની કહાણી ઇશ્વરભાઈ પાકીઝાવાળા પાસેથી!
અમરોહી સાહેબે કહ્યું, ડ્રાઇવર સાહેબ આપ કો ચલતી ગાડી મેં સે ફાયર ગિરાના હોગા ક્યું કિ પબ્લિક કો માલૂમ પડે કે વો ફાયર હૈ, અચ્છા ડ્રામા હોગા.


મારા મિત્રો ગીતા અને જવાહર પટેલ, પ્રશાંત દેસાઈ, ડૉ. પીયૂષ પટેલ, મીનળ, મુંજાલ, બિદેશીની અને હું કુશળ સ્ટોરીટેલર ઇશ્વરભાઈ પાકીઝાવાળાની આસપાસ નાનાં બાળકોની જેમ પલાઠીઓમાં કૂંડાળું વાળીને બેસી ગયાં છઇએ. ભૂતપ્રેત ને ચૂડેલ-ડાકણની પ્રતીક્ષામાં. ઇશ્વરભાઈનું એક ક્ષણનું મૌન પણ અમને કલાકો લાંબું અને નાટકીય લાગે છે. મીનળ ભૂતના ભયથી ધ્રૂજવા લાગી છે, તો કોઇ ચૂડેલી ચુંગાલમાં આપણે ફસાઈ જઇએ તેનાથી પહેલા પાકીઝાના શૂટિંગ વિશે ઇશ્વર પાસેથી આપણે બીજી કોઇ વાતો સાંભળીએ એવા બિદેશીનીના સૂચનને અમે સ્વીકારીએ છીએ. ઇશ્વરભાઈના ખાસ્સા મોટા કહાણી-કોથળાની અંદર અમે ભૂતડાકણોને સળવળતાં જોઇએ છીએ, અદશ્ય કિકિયારીઓ પાડતાં. એની વે, ઓવર ટુ વલસાડવાસી ઇશ્વરભાઈ પાકીઝાવાળા. તો સુણો મારા ડીપ ફોક્સના ડિયરજનો, સુણો પાકીઝાની આ અંતિમ કહાણી. અમને બધ્ધાંને ભૂતાવળ જોવાની ભૂખ લાગી હતી પણ કથાકાર ઇશ્વરની ઇચ્છા અને ઢબને આધીન થવું જ પડે. મને, બિદેશીનીને, તમને, અને આપ સૌને. ઓવર ટુ ઇશ્વર.

અમારી આગગાડી દમણગંગા નદી ઉપરના પૂલ પરથી બોરીવલી તરફ જઇ રહી હતી. બોરીવલી પર એક સીનનું શૂટિંગ કરવું હતું, પણ તેનાથી પહેલાં હું તમને એક મિનિટ માટે બીજી ધગધગતી વાત કહું. સાંભળો. મને અમરોહી સાહેબે કહ્યું, ડ્રાઇવર સાહેબ આપ કો ચલતી ગાડી મેં સે ફાયર ગિરાના હોગા ક્યું કિ પબ્લિક કો માલૂમ પડે કે વો ફાયર હૈ, અચ્છા ડ્રામા હોગા. એમની વાત સાંભળ્યા પછી મેં એમને કહ્યું, દેખો સાહેબ યે મેરે સે નહીં હોગા. વૈસા મૈં. કરું તો મેરે કુ નોકરી સે નિકાલ દિયા જાયેગા. હમેરી ટ્રેન યે વુડન સ્લીપર્સ હૈ ઉસ કે ઉપર સે જાતી હૈ ઔર અગર મૈં ઉસ પર ફાયર ડાલતા તો વે જલ જાયેંગે તો લાઇન કી હાલત ક્યા હોગી? આપ હી સોચો. તો અમરોહી સાહેબે કહ્યું, ઓ માય ગોડ, ઐસા ભી હોતા હૈ?! તો મેં કહ્યું, હા સાહેબ ઐસા હી હોતા હૈ. (યોગાનુયોગે ચાલતી ગાડીએ ધગધગતા કોલસા એન્જિનની બહાર પડી જતાં અમરોહી સાહેબને જોઇતું નાટ્યાત્મક દશ્ય મળી ગયું હતું અને એ ખુશખુશાલ હતા. અહીં નીલાબેન અમને ફિલ્મમાં આવતા ચલતે ચલતે ગીત પછી મીનાકુમારી ભાગે છે એ દશ્યની યાદ અપાવે છે. - અ.)

અને ઇશ્વરભાઈ યાદ કરે છે કુકૂ... કુકૂ... કુકૂ... કુકૂ... વાગતી સિસોટીની. જ્યારે ઇમર્જન્સીની ઘડી હોય ત્યારે અમે એવી સિસોટી વગાડીએ - કુકૂ... કુકૂ... કુકૂ... કુકૂ... (ઇશ્વરભાઈ તીણી સિસોટીનો આબેહૂબ અવાજ, કાઢીને અમને સંભળાવે છે. - અ.) જો લાંબી સિસોટી વાગે તો તેની અસર એટલી ન થાય. અમે શૂટિંગ કરવા માટે બોરીવલી સુધી ગયા હતા. ઉસી ટ્રેનમેં રાજકુમાર બૈઠા થા વો શાયદ અપની પ્રેમિકા મીનાકુમારી કો લેને આયા હોગા. બોરીવલી કે શન્ટિન્ગ યાર્ડ કી વો સાઇડ લાઇન થી મેરી લાઇન નહીં થી. (અહીં મારા મિત્ર અને ડીપ ફોક્સ કટારના નિયમિત વાચક અને ચાહક અંધેરીનિવાસી પીયૂષ પાઠક મને ફોન પર માહિતી આપતાં કહે છે કે ત્યારે બોરીવલીના સ્ટેશન મેનેજર એમના સગા કાકા રમણભાઈ પાઠક હતા અને એક દશ્યમાં ઊભા રહેવા માટે અમરોહી સાહેબે તેમને કહ્યું હતું. - અ.)

ભૂતભૂતાવળની વાતો સાંભળવા માટે બિદેશીનીની જેમ અમે સૌ આકુળવ્યાકુળ છીએ. કથાકાર ઇશ્વરભાઈની આગગાડીને ભૂતપ્રેતના પાટા પર લઇ આવવા માટે હું તેમને કતરો પણ આડ-કતરો સવાલ પૂછું છું. તમારી ૩૭ વર્ષની કારકિર્દીમાં ક્યારે નાનોમોટો અકસ્માત થયો છે? એક પણ નહીં! બલ્કે ઘણાં અૅક્સિડન્ટો થતાં મેં બચાવ્યા છે, એમ કરીને જાનહાનિ સિવાય કરોડોનું નુકસાન થતું પણ બચાવ્યું છે. એ કરોડો ખરા પણ રેલવે ખાતું મને ફકત ૧૦૧ રૂપિયા ઇનામમાં આપે. બીજો ભૂતાવળની નજીક જતો પ્રશ્નઃ ઇશ્વરભાઈ અમાસની તમારી આગગાડીના કોલસા જેવી કાળીઅંધારી સૂમસામ રાતે તમે આગગાડી ચલાવતા ત્યારે ક્યાંકથી કોઇ વિકરાળ પ્રાણી કે બુકાનીધારી બહારવટિયો આવી જવાનો ભય રહેતો? મારી બધી સર્વિસ નાઇટની પણ કોઇ ડર નહીં. પણ તમે કાળીઅંધારી રાતની વાત કરી તો કેટલીક અંદરની વાતો તમને સંભળાવું, બિદેશીનીની તરફ જોતાં ઇશ્વરભાઈ પાકીઝાવાળા કહે છે. હવે અમને અણસાર મળી ગયો છે કે ઇશ્વરભાઈ ડ્રાઈવરની આગગાડી ભૂતપ્રેત પટરિયાં પર વણાંક લઇ રહી છે. મીનળની ધ્રુજારી વધી ગઈ છે. ઇશ્વરભાઈ કહે, મધરાતે આગગાડી ચાલતી હોય પણ ડ્રાઇવર તરીકે મારી નજર સામે જ રહે ભલે ફાયરમેન આમતેમ જોયા કરે. તો ઘણી વાર, આપણે તેને શું કહીએ, ભૂત, ડાકણ, ચૂડેલ એવી વસ્તુઓ દેખાય. એ કાળી ચૌદસની રાતે પણ દેખાય ને બીજી કોઇ રાતે પણ દેખાય. હમેરે લિયે તો સબ રૈના કાલી ચૌદસ કી...

પણ પાકીઝાવાળા સાહેબ તમે જે ભૂતપ્રેતોને જાતે જોયાં છે તેની વાતો કરો ને?! મારી ધીરજ હવે ખૂટતી જાય છે, બાહોશ બિદેશીનીથી રહેવાતું નથી. નીલાબહેન ખડખડાટ હસતાં કહે છે, ભૂતડાકણોને તો એમણે બહુ જોયાં છે. પણ તમારા એન્જિનની પાવરફૂલ બત્તીની સામે એ કેવી રીતે આવે એ કેવા દેખાય? બહુ મોટાં ને બેહુદા હોય? મારું એન્જિન ૧૦૧ કિમી ૧૧૦ કિમીની ગતિએ ચાલતું હોય ત્યારે પણ એ ભૂતાવળ સામે દેખાય ક્યારેક તો કોઇ ભૂત જાણે મારા ચહેરા પરથી એવું ફટ્ટા...ક દઈને આંખના પલકારામાં નીકળી જાય કે તમને એક ક્ષણ માટે હતભ્રત કરી મૂકે પણ તમે પાછળ જુઓ તો કાંઇ ન દેખાય બધું અદશ્ય!! ક્યારેક પાટા પર હાલતાં ચાલતાં દેખાય પણ આગગાડી પસાર થઇ જાય, જાણે કે સામે કોઇ હતું જ નહીં!! ક્યારેક એન્જિનના કોલાહલ વચ્ચે વિચિત્ર અવાજો પણ સંભળાય પણ એ ભૂતાવળ સાથે તો જાણે મારી ભાઈબંધી થઇ ગયેલી. મારી સર્વિસ જ રાતની. ભૂતાવળની ભીતિ કેમ પોષાય? એ તમને કાંઇ કરે નહીં. રાતના અંધારામાં એ પ્રેતાત્માઓ ક્યાંક ને ક્યાંક ભટકતાં હોય. રેલવે લાઇનોની સૂમસામતા એમને સદે. ઇશ્વરભાઈ પાકીઝાવાળા આ બધી વાતો કરે છે ત્યારે અમે બધ્ધાં તેમનાં માટે નાનકડાં ભૂલકાં થઇ ગયા છીએ. બધ્ધાં ડાહ્યાડમરાં થઇને બેસી ગયા છીએ એ વાતનો તેમને આનંદ છે. તેમના ચહેરાના હાવભાવો, બોલવાની રીત, કંઠારવ, આંખોની તીવ્રતા બધ્ધું બદલાઇ ગયું છે. આસપાસ ભૂતાવળનો સોપો પડી ગયો છે. વલસાડના ટ્રાફિકે પણ વિસામો લઇ લીધો છે! બિદેશીનીને બાળપણમાં તેના કસબામાં પાડોશમાં રહેતી રત્તિમા અને મલ્લિમા પાસેથી સાંભળેલી ભૂતકથાઓનું સ્મરણ થાય છે. એ બેઉ એવી અનોખી ભરવાડ શૈલીમાં વાર્તા કહે કે બાળમાનસ માટે બિહામણું પણ આબેહૂબ ઓડિયો-વિઝ્યૂઅલ વાતાવરણ ખડું થઇ જાય. ક્યારે કોઇ અતૃપ્ત ડાકણ તમને બાઝી પડી હોય એવું ખરું? હું પાકીઝાવાળા સાહેબને મજાકમાં પૂછું છું તો એ નીલાબેનની સામું જોઇને મૂછમાં મરકે છે ને પછી પેલી સિસોટીની જેમ કોઇ વિચિત્ર ધ્વનીઓ કાઢે છે એ સાંભળીને જાણે અમારી આસપાસ પેલા રામસે ભાઈઓની ફિલ્લમમાં આવતા દશ્યોની જેમ અમે માની લીધી હોય એવી ભૂતાવળ કિકિયારીઓ પાડતી નૃત્ય કરતી હોય એવું ભાસે છે. ને ત્યાં તો બિચારી મીનળ બેહોશ થઇ જાય છે. કોઇ તેના ચહેરા પર પાણી છાંટે છે તો કોઇ તેને જોડા સુંઘાવે છે તો મુંજાલ ભૂતાવળ શમન માટે ભૂતભવાની માતાની પાશેર ગોળ પધરાવવાની માનતા માને છે. મીનળ તો સ્વસ્થ થઇ જશે પણ ભૂતપ્રેતની પાકીઝાવાળા સાહેબની વાતો અધૂરી રહી ગઈ તેના માટે બિદેશીની અસ્વસ્થ છે. ખેર, ફરી કોઇ વાર આપણે ઉત્કૃષ્ટ કથાકાર ઇશ્વરભાઈ પાકીઝાવાળાના મુખે ફકત ભૂતકથાઓ સાંભળશું, પણ તેના માટે મારા વ્હાલાઓ આપ સૌને સિને ડિએ (sine die) એટલે કે અનિશ્ચિતપણે પ્રતીક્ષા કરવી પડશે, સોરી, હં!
==================
9
કર્મની ગતિ ન્યારી!
જો ભરપૂર પ્રેમ અને મધુર વ્યવહાર મળ્યો હોત તો જીવનની કડવી યાદો ભૂલાઇ જાત અને માનસિક મીઠાશને બહાર આવવાનો માર્ગ મળી રહેત.


ગયા ગુરુવારે આપણે પંચાવન વર્ષીય કુમુદબેને વર્ણવેલી પોતાની વાસ્તવિક્તા અને તેમના સપનાં વિશે જાણ્યું. સપનાની સમજ, તેમની વાસ્તવિક્તા અને તેઓના સપનાનો મેળ મળતો ન હતો. તેથી હવે એ જાણવું અગત્યનું હતું કે વાસ્તવિક્તા મનઘડંત હતી કે પછી સપનું! તેઓ હવે વધુ જણાવવા સંમત ન હતાં તેથી મેં તેમના રોગને તેમના માનસના પ્રતિબિંબ દ્વારા જાણી તેને સમજવાનો પ્રયત્ન કર્યો.

આખી જિંદગી પતિનો મીઠાશભર્યો વ્યવહાર મળ્યો હોય એ પત્નીને નદી કિનારે અર્ધનગ્ન અવસ્થામાં કોઇક વ્યક્તિ કે જેનો ચહેરો દેખાતો નથી અને તે તમામ સપનામાં જુદા જુદા રંગના કપડામાં જોવા મળે છે. આવું સપનું શું કામ આવે?

રોગ અને સપનાનો મેળ મળી ગયો એટલે જે તેઓએ મને વાસ્તવિક્તા જણાવી હતી એ સાવ ખોટી હતી. મેં હિંમત એકઠી કરીને તેઓને સત્ય જણાવવા કહ્યું.

તેમની જણાવેલી વાસ્તવિકતાની મોટી બહેન તેઓ પોતે જ હતાં. રફીક સાથે ભાગી ગયા બાદ પિયર સાથે છેડો ફાટી ગયો અને રફીક તેમને ગુજરાતની બહાર લઇ ગયો. માંડ પાંચ-છ મહિના થયા હશે કે રફીક તેનાથી કંટાળી ગયો હતો. તે પોતાના જ ઘરે બીજી સ્ત્રીઓ લાવતો થઇ ગયો. કુમુદબેને શરૂઆતમાં વિરોધ જતાવ્યો, પરંતુ સમય વિતતા તેઓ પણ પર પુરુષો સાથે આનંદ માણતાં થઇ ગયાં. રફીકની અચાનક તબિયત કથળી. ને તેણે અકાળે દુનિયામાંથી વિદાય લીધી. હવે જે પ્રવૃત્તિમાં આનંદ લેતા હતા તે હવે જીવન જીવવા ને નાનાં બાળકને મોટું કરવા તેમનો વ્યવસાય બની ગયો. સમય વિતતો ગયો ને હવે શરીર થાકી ગયું હતું. ગ્રાહકો ઓછા થતાં ગયા ને તેમણે શારીરિક પીડાને આધીન થઇ પલંગ પકડ્યો! આટલું કહી તેઓ થાકી ગયા હતાં. તેમણે કહ્યું કે આ મારું જીવન!!! હવે રિપોર્ટ જોઇ દવા તૈયાર કરજો, મારા પુત્રને દવા લેવા મોકલીશ!

વાસ્તવિકતા, રોગ અને સપનું સમજાઇ ગયાં ને તેઓની સારવાર નક્કી કરી લીધી. દવા તૈયાર થઇ ને તેના દીકરાને ફોન કર્યો. ફોન બીઝી હતો. મેં ફોન મુકી બીજા પેશન્ટને જોવાનું શરૂ કર્યું કે તેમના પુત્રે મને ફોન કર્યો. મેં તેને કહ્યું કે દવા તૈયાર થઇ ગઇ છે. આવી ને લઇ જા! તેણે કહ્યું કે સાંજે આવીશ. સાંજે તે આવ્યો. દવાના રૂપિયા ટેબલ ઉપર મૂકી ઊભો થઇ ગયો. મેં પૂછ્યું કે ક્યાં જાય છે? દવા તો લઇ જા! તેણે મારી સમક્ષ અશ્રુભરી આંખે જોઇને કહ્યું કે હવે તેમને કોઇ દવાની જરૂર નથી! તેમની ઇચ્છા અનુસાર અગ્નિસંસ્કાર કર્યા છે, દફનાવ્યા નથી! તે ચાલ્યો ગયો ને મેં તે દવાનું પેકેટ બાજુમાં મૂકી દીધું!

વિધાતાનો ન્યાય કેવો અનેરો છે, રોગ સમજાયો, સપનું સમજાયું, વાસ્તવિકતા સમજવાના પ્રયત્નો કર્યા. સફળતા પ્રાપ્ત થઇ પણ હવે તે જીવવિહોણા શરીરની કઇ રીતે સારવાર કરું? સાંભળેલી કહેવત સાર્થક થતાં જોઇ... મેન પ્રપોઝીસ એન્ડ ગોડ ડિસ્પોઝીસ!
===========================
10
મગર મુદ્રાથી મેળવો ભરપૂર શક્તિ!


આ મુદ્રા આરામના સમયમાં આપણા શરીરની અપેક્ષિત શક્તિને જાગૃત કરે છે. આ મુદ્રા કિડની, ડિપ્રેશન, અસંતોષ, આંખ નીચેનાં કાળા કુંડાળાં, શરીરમાં શક્તિ ઓછી થવાનાં એંધાણ ઈત્યાદિમાં ઉપકારક છે. આ મુદ્રા કરતી વખતે ખુલ્લી અને તાજી હવામાં ચાલવાથી, લયબદ્ધ શ્વસનક્રિયાથી અને મસાજથી વધુ ફાયદો થાય છે. આ મુદ્રા કરવાથી આત્મવિશ્વાસ અને આત્મબળ વધે છે. મુદ્રા કરવાની રીતઃ એક હાથમાં બીજો હાથ ભેરવી, નીચે રહેલા હાથનો અંગૂઠો રિંગ ફિંગર અને ટચલી આંગળીની વચ્ચેથી કાઢી ઉપરના હાથની વચ્ચે દબાવવો. આ મુદ્રા કરતી વખતે ધીમેથી શ્વાસ અંદર લેવો, રોકવો પછી ધીમેથી બહાર કાઢી રોકવો. આ રીતે લયબદ્ધ શ્વાસ લેવો. આ મુદ્રા દિવસમાં ત્રણ વખત પાંચ મિનિટ કરવી.

આ મુદ્રા કરવાથી મગર જેવી શક્તિ પ્રાપ્ત કરી શકાય છે.

સંકલ્પઃ વૈશ્વિક ચેતના મારા માટે પ્રાપ્ય છે અને તેને હું ક્યાંયથી પણ મેળવી શકું છું.



રંગ ચિકિત્સા

આજે આપણે ગ્રે કલર વિષે જાણીએ. આ રંગ સફેદ અને કાળો મિક્સ કરી બને છે. એટલે તેમાં બંનેનાં ગુણ છે. આ રંગ વધારે શોકમાં વપરાય છે. કારણ આ રંગની એનર્જી ડલ અને ઉદાસ છે. જ્યારે પણ માણસ શોકમાં હોય ત્યારે આ રંગ તેને પહેરવો ગમે છે. રંગ ચિકિત્સાનો પ્રયોગ કરનારાને માટે આ રંગ બહુ ઉપયોગી નથી.



ફ્લાવર રેમેડી

ફ્લાવર Jention. આ ફૂલ વિશ્વાસનું પ્રેરક છે. જે વ્યક્તિ આસાનીથી નાહિંમત થતી હોય તેમ જ તેની માંદગી તથા સારા થવાનું વિલંબમાં મુકાતું હોય ત્યારે આ ફૂલ કામ આવે છે. આ ફૂલનો સંબંધ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે છે. જે બાળક ચાલતા શીખે અને વારંવાર પડે અને એ સમયે એના માતાપિતા એની મદદ કરવાને બદલે બાળકની ટીકા કરે અથવા તો બાળકને મદદ કરવાની કોશિશ ન કરે તેવાં બાળકો મોટાં થતાં નર્વસ તેમ જ ભણવામાં પાછળ પડે છે. જે બાળકના માતાપિતાની વચ્ચે કંકાસ હોય તેની અસર બાળકના મન પર પહોંચે છે. આ બાળકને માટે આ ફૂલ ખૂબ મદદરૂપ થાય છે. જે વ્યક્તિને આંચકી આવતી હોય તેમ જ પ્રગતિ અચાનક અટકી જાય તેમ જ વ્યક્તિની બીમારી થોડો સમય સારી પ્રગતિ દર્શાવે અને અચાનક પ્રગતિ અટકી જાય ત્યારે આ ફૂલનો અર્ક સહાયક નીવડે છે. કોઇ પણ ચોક્કસ કારણ જેવાં કે પતિ અથવા પત્નીમાંથી કોઇ એકનું મૃત્યુ, લાંબા સમયની નોકરીનો અચાનક અંત આવા સમયે આ ફલાવર મદદરૂપ છે.
==================================
11
સ્નાતક થયેલા પણ છેતરાઈ જાય?
વિદ્યાર્થીઓ વધે તે પ્રમાણે સરકાર શિક્ષણ સંસ્થા વધારતી નથી અને પોતાની જવાબદારી તે ઉદ્યોગપતિ, રાજનેતાની સંસ્થાઓ, ધર્મસંસ્થાઓને માથે નાંખે છે અને તેમાં જ પછી ગરબડ થતી હોય છે.


સુપ્રીમ કોર્ટે માન્યતા પ્રાપ્ત ન હોય તેવી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થી પ્રત્યે સહાનુભૂતિ દાખવવી જોઈએ ખરી? સુપ્રીમ કોર્ટ એવી સહાનુભૂતિની ના પાડે છે અને કહે છે કે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ કાંઈ નાના નથી હોતા. તેમણે પોતે જ એવી તપાસ કરી હોવી જોઈએ કે જેમાં તે પ્રવેશ મેળવવા માગે છે તે યુનિવર્સિટીને યુજીસીની માન્યતા છે કે નહીં, સુપ્રીમ કોર્ટની દલીલ જરા પણ ખોટી જણાતી નથી. કમ્પ્યૂટર - ઈન્ટરનેટનો સૌથી વધુ ઉપયોગ યુવાવર્ગ જ કરે છે અને હવે તો મોબાઈલ સુધી ઈન્ટરનેટ વિસ્તરી ગયું છે કે જ્યાં અધિકૃત માહિતી મેળવવી હોય તો મળી શકે છે, ભારતમાં સેન્ટ્રલ, સ્ટેટ, ડિમ્ડ, પ્રાઈવેટ મળી કુલ ૫૬૮ યુનિવર્સિટીઓ છે અને ૧૭૦૦૦થી વધુ કોલેજીઝ છે. (આ આંકડા સ્પષ્ટ નથી) દર વર્ષે ઉચ્ચશિક્ષણ પામવા ઉત્સુક વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધતી જાય છે ત્યારે દરેક પ્રકારની કાળજી સરકાર જ લે તેવી અપેક્ષા વધુ પડતી છે. ૧૯૯૧માં ભારતમાં ૨૨.૫ લાખ ગ્રેજ્યુએટ હતા જે ૨૦૦૫માં ૪૮.૭ લાખ થયા. આ આંકડો પ્રતિવર્ષ મોટો થતો ગયો છે અને તેથી યુનિવર્સિટીઓની સંખ્યા પણ વધતી જાય છે. ક્યું રાજ્ય ઉચ્ચશિક્ષણ બાબતે કેવું સભાન છે તેનો ખ્યાલ પણ ત્યાં કેટલી સેન્ટ્રલ, કેટલી રાજ્ય યુનિવર્સિટી છે તેના પરથી જ આવી શકે, આખા દેશમાં સૌથી વધુ રાજ્ય યુનિવર્સિટી આન્ધ્રપ્રદેશમાં છે કુલ ૨૩, ગુજરાતમાં રાજ્ય યુનિવર્સિટીની સંખ્યા ૧૮ છે અને મહારાષ્ટ્રમાં ૧૯, દેશમાં સૌથી વધુ યુનિવર્સિટી તમિલનાડુમાં છે. કુલ ૫૫. ત્યાર પછી ઉત્તર પ્રદેશ ૫૩ યુનિ. સાથે બીજા ક્રમે, ૪૮ યુનિ સાથે રાજસ્થાન ત્રીજા ક્રમે, કર્ણાટકમાં ૪૦ છે. ગુજરાત વિશે આ આંકડા તપાસતાં સમજાશે કે અહીં પ્રાઈવેટ યુનિવર્સિટીની સંખ્યા ૧૧ છે (રાજસ્થાનમાં સૌથી વધુ ૨૫ અને યુપીમાં ૧૬ પ્રાઈવેટ યુનિવર્સિટી છે) યુનિવર્સિટીઓના પ્રકારો બાબતે વિદ્યાર્થીઓ સ્પષ્ટ નથી હોતા. તેની કાર્યશૈલીનું માળખું જાણતા નથી હોતા તેથી તેઓ ફસાતા હોય છે. દરેક યુનિવર્સિટી પાસે વિગતો માંગવી જોઈએ. સરકારે જોવું જોઈએ કે તેમાં કશું જ બનાવટી તો નથી ને? બનાવટી યુનિવર્સિટી, કોલેજોને રોકવાનું કામ સહિયારી રીતે જ થઈ શકે, સુપ્રીમ કોર્ટ પાસે બધી ફરિયાદો જાય તે કોઈ રીતે યોગ્ય નથી. દેશમાં સાક્ષરતા મિશન ચાલે છે અન ેતેમની જે સાક્ષરતા વિશેની જે વ્યાખ્યા છે તેના આધારે તો રાષ્ટ્રીય સાક્ષરતા દર ૭૪.૦૭ ટકા સુધીનો છે. જો આમ હોય તો બનાવટી યુનિવર્સિટીઓ, કોલેજીઝ કઈ રીતે ચાલે છે? આ સ્થિતિ બદલાવવી જ રહી. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને ભારતમાં ચાલતી ૩૯ બનાવટી યુનિવર્સિટીને અલગ તારવી આપી છે. વિદ્યાર્થીઓ તેની વિગતો ચકાસે તે અપેક્ષિત છે. વીત્યાં વર્ષોમાં શિક્ષણનું બજાર બહુ મોટું થઈ ગયું છે તેથી ઉદ્યોગપતિઓથી માંડી અનેક રાજનેતાઓ, ધર્મસંસ્થાઓએ તેમાં ઝૂકાવ્યું છે. આમ પણ અમેરિકા પછી સમગ્ર વિશ્વમાં હાયર એજયુકેશન સિસ્ટમ બાબતે ભારત બીજા ક્રમે છે. ૨૦૦૧ થી ૨૦૧૧ સુધીમાં આઠ લાખથી વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ લેતા જણાયા છે. વિદ્યાર્થીઓ વધે તે પ્રમાણે સરકાર શિક્ષણ સંસ્થા વધારતી નથી અને પોતાની જવાબદારી તે ઉદ્યોગપતિ, રાજનેતાની સંસ્થાઓ, ધર્મસંસ્થાઓને માથે નાંખે છે અને તેમાં જ પછી ગરબડ થતી હોય છે. વિદ્યાર્થી-વાલી જાગૃત નથી હોતા અને પેલા લોકો ધારાધોરણોનું ઉલ્લંઘન કરે છે અને પછી અદાલત તેમને માફ કરે તેવું ઈચ્છે છે. જ્યારે અદાલત તેવું કરે ત્યારે સેંકડો અને દેશભરમાં થઈ હજારો વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે છે. આ સ્થિતિ ત્યારે જ બદલાય શકે જ્યારે તકેદારીઓ વધે. આમ તો યુનિવર્સિટી શિક્ષણ આખેઆખું તપાસ માગે તેવું થઈ ગયું છે, પરંતુ કેટલીક પાયાની સ્પષ્ટતા જ્યાં ન હોય ત્યાં વિદ્યાર્થીઓ કાળજી રાખે એ જરૂરી છે. સ્નાતક થયા હોય તો પણ જો તેઓ છેતરાવાની ફરિયાદ કરે તો પૂછવું પડે કે તમે સ્નાતક થયા’તા કેવી રીતે?
==============
12
સ્વાતંત્ર્ય


ચકલીએ પહેલો, બીજો કે ત્રીજો

સ્વાતંત્ર્ય સંગ્રામ ખેલ્યો ન હોય

તો પણ ચકલી ગુલામ નથી.

ચકલીએ સ્વાતંત્ર્યની વરસગાંઠ

સિલ્વર જ્યુબિલી, શતાબ્દી ઊજવી ન હોય

તો પણ ચકલી ગુલામ નથી.

ચકલીને માથે કોઈના વિરુદ્ધ લખવાની

કે બોલવાની જવાબદારી નથી

કારણ ચકલી સ્વતંત્ર છે.

ચકલી સ્વાતંત્ર્ય વિષે નથી ભાષણ આપવાની

કે નથી કંટાળા ભરેલા ભાષણ સાંભળવાની.

એ કોઈનું ઝૂંટવીને નથી ખાતી

લપાઈને પ્રેમ નથી કરતી

ચકલીએ ચિંતન કરવું પડતું નથી

ગુલામી અને સંસ્કૃતિ વચ્ચેનો ભેદ સમજવા

કારણ ચકલી સ્વતંત્ર છે.

કેટલી બધી વસ્તુઓથી મુક્ત છે.

નથી ઈશ્વર, નથી સાસરું, નથી કાકી, નથી ભાભી,

કદાચ તમને પણ ચકલી બનવાનું મન થશે.

પણ તમે જંગલમાં રહીને નથી જોયું

ચકલીની જેમ જીવીને નથી જોયું

એની જિંદગી પણ સહેલી નથી.

હજારો માથાકૂટ, - ઈંડાં, માળો, બચ્ચાઓ, પરિવાર.

સૂસવતા ઝંઝાવાતો, ધોધમાર વરસાદ

જો તમે ચકલીની જેમ જીવ્યા હોત

તો તમને અમિબા થવાનું મન થાત!

બીજું કંઈ બનવાનો વિચાર કરવા જેટલી

કે માણસ બનવાનું સ્વપ્ન જોવા જેટલી

ચકલી સ્વતંત્ર નથી.

તમે તો કંઈ પણ બનવાનું સ્વપ્ન જોઈ શકો છો,

વિચાર કરી શકો છો.

ચાલો ત્યારે,

સ્વતંત્રપણે માણસ બનવાનો વિચાર કરીશું!

ઈશ્વર બનવાનો વિચાર કરીશું!

કેટલીક કવિતાઓ એવી હોય છે કે દૂરથી ચકલીની જેમ નિર્દોષતાથી આપણી સામે જોતી દેખાય પણ જ્યાં પાસે જઈએ ત્યાં એ પોતાનું નાનકડું મોઢું ખોલીને આપણને વિશ્વરૂપ દર્શન કરાવતી હોય છે, સહુ પ્રથમ તો ‘સ્વાતંત્ર્ય’ની પરિભાષા બદલી નાખતી એક કલ્પના છે. છે તો એક નાનકડી ચકલીની વાત - જેનો અવાજ પણ અન્ય પક્ષીના અવાજની સરખામણીમાં ભાગ્યે જ અલાયદો સાંભળી શકાય છે. આ ચકલી એક પ્રતીક બનીને આપણી પાસે આવે છે. નાના માણસો - મોટા માણસો - આ બધાં સમીજે આપેલા લેબલની જાણે અહીં અદલાબદલી થઈ જાય છે. ચકલી જેવા નાના માણસો પોતાના જીવનમાં જે પામે છે એ નાનું નથી હોતું. પોતાના જીવન માટે કોઈની સાડીબાર ન રાખનારા, આત્મસન્માનને જાળવનારા આ માણસો છે. અહીં કવિ સ્ત્રી-પુરુષના ભેદ નથી કરતા. ચકલી જેવું સ્વતંત્ર જીવન જીવતી વ્યક્તિ કોઈ પણ હોઈ શકે, એવી વ્યક્તિ નથી કોઈની ગુલામી સ્વીકારતી કે નથી કોઈને ગુલામ બનાવતી. સ્વાતંત્ર્યની સિદ્ધિનાં સોપાનો ચડયા વગર પણ એ સ્વતંત્રતાના મર્મને પામી શકે છે. એની ગુલામી મન, વચન, ધર્મ - કોઈ પણ ક્ષેત્રની નથી. વ્યવહારમાં પણ એને ગુલામ બનાવી શકાય એવી કોઈ દિશા કવિએ દર્શાવી નથી.

આવી ચકલીને જોઈને જ્યારે માણસ એના જીવનને ઝંખે છે ત્યારે કવિ ચકલીના નાનકડા જીવનમાં જોવા મળતી મોટી સમસ્યાઓનો ઈશારો કરે છે. એ નાની છે પણ એના જીવનમાં જાગતા સમસ્યાઓના ઝંઝાવાતો નાના નથી. ઋતુ પરિવર્તનનો સામનો એ હિંમતભેર કરે છે. જીવનને ટકાવી રાખનાર બે તત્ત્વોને આત્મસાત કરવાની સમજણ આ નાનકડી ચકલીમાં છે. એ લપાઈને પ્રેમ નથી કરતી. પ્રેમને એ જીવનનું વિધાયક બળ સમજે છે અને બીજું કોઈનું ખાવાનું ઝૂંટવીને પેટ ભરવાનું અધમકૃત્ય એ ક્યારેય નથી કરતી. આ બંને તત્ત્વો માણસ પોતાના જીવનમાં વારંવાર આચરે છે. છુપાઈને પ્રેમ કરે અને ઝૂંટવીને પેટ ભરે - એ માણસની પરિચિતતાની બે દિશાઓ બની જાય છે, જે આચરણ પોતાને ગુલામ બનાવનાર છે અને જે આચરણ એને માનવેતર સૃષ્ટિમાં પણ સંસ્કારી તરીકે સ્થાપનાર છે એની પ્રતીતિ આ નાનકડી ચકલીએ વારંવાર મેળવી છે, એ જે નથી બની શકતી એ - માણસ બનવાનું સ્વપ્ન - એ ક્યારેય જોતી નથી પણ માણસ તો પોતાની કક્ષાને વધારનાર સ્વપ્ન જોઈ શકે છે એ કક્ષા છે માણસમાંથી દેવત્વને પામવાની મનીષા. ઈશ્વર બનવાના સંકલ્પ સાથે કવિતા વિરમે છે.
======================
13
તમારા મકાનની નીચેથી વાયર તો પસાર થતા નથીને?


વાયરની નકારાત્મક અસરો વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ઘરની અંદર કે આસપાસના વાયરોની સમસ્યા જાણ્યા પછી એ પણ જાણવું જરૂરી છે કે તમારા ઘરની નીચેથી તો વાયર પસાર થતા નથીને?

આજકાલ એવું વધુ દેખાય છે કે જગ્યામાં વાયર અને કેબલનો વપરાશ ખૂબ જ થતો હોય છે. ફેંગશુઈ નિયમ મુજબ એ મહત્ત્વનું છે કે વાયર મકાનની અંદર જમીનમાંથી પસાર ન થાય. મકાનના બહારના ભાગમાં વાયર અથવા કેબલ જમીનમાંથી પસાર થાય તે ચાલે. તમારા ઘર તથા ઓફિસમાં વાયરિંગ કામ કરતી વખતે એ જોવું જરૂરી છે કે વાયર જમીનમાંથી લેવાને બદલે દીવાલ અથવા સિલિંગમાંથી લેવા. જો વાયર જમીમાંથી પસાર થતાં હોય તો તે એક પ્રકારનું જિઓપેથિક સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે જેની અસર તે જગ્યા વાપરનાર પર થતી હોય છે.

અમારા અનુભવ પ્રમાણે ઘણાં એવા કિસ્સામાં જ્યાં ફર્નિચર લાઈવ વાયર પર રાખવામાં આવ્યું હોય તો તેનો ઉપયોગ કરનાર વ્યક્તિમાં તાણનું પ્રમાણ વધુ દેખાય છે. આ પાછળ ઘણું રિસર્ચ અને કેસ સ્ટડી એ સમજવા પાછળ કરાય છે કે વાયર જમીનમાંથી પસાર થતાં માનવીની તંદુરસ્તી પર શું અસર થાય છે.

આખા વિશ્વમાં ઈલેક્ટ્રિસિટીની માગ વધતી જાય છે જેના લીધે એક વધુ પડતું ઈલેક્ટ્રિકલ એનવાયર્નમેન્ટ ઊભું થાય છે જે માનવી માટે નકારાત્મક છે. આજકાલના કોમ્પ્યુટર અને ઈલેક્ટ્રિકલ સાધનનો ઉપયોગ વધતાં માનવી ઈલેક્ટ્રિક એનર્જીના સંપર્ક વધુ ને વધુ આવતો ગયો છે. વાયર અને ટ્રાન્સફોર્મર ઈલેક્ટ્રિકલ ઉપકરણોને ચલાવવામાં પૂરતા માધ્યમ તો છે, તે ઉપરાંત તે હાઈ ફ્રિકવન્સી રેડિએશનના વાહક પણ છે.
=============================
14
આતશબાજી પુસ્તકોની


ઓપેરા હાઉસ / લે. સંગીતા જોશી. નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ. ૨૪૦ પાનાં, રૂ. ૩૦૦.

‘બાપ રે, મારાથી દર અઠવાડિયે લેખ લખવામાં પહોંચી વળાશે?’ એવી ધાસ્તી શરૂઆતમાં અનુભવનાર સંગીતા જોશીએ પછી તો ‘મુંબઈ સમાચાર’માં દર અઠવાડિયે દુનિયાનાં નાટકો અને નાટકોની દુનિયા વિષે જે લેખો લખવા માંડ્યા તેમાંના કેટલાક આ પુસ્તકમાં સંગ્રહાયા છે. મૂળમાં લેખિકાને દુનિયા આખીમાં ફરવાનો અને ફરતાં ફરતાં જ્યાં જ્યાં જાય ત્યાંના નાટકો જોવાનો ગાંડો શોખ. પણ એકલો શોખ જ નહીં પોતે અભિનેત્રી, એટલે અનુભવ અને જાણકારી પણ એટલાં જ. અને હા, ખુલ્લું મન - ચોખલિયાવેડા નહીં. એટલે કિસમ કિસમનાં નાટકો પોતે જુએ અને વાચકોને બતાવે. અહીં સંગ્રહાયેલા ૩૮ લેખો એટલે જાણે લેખિકાની નાટ્યયાત્રાના ૩૮ મુકામ. આટલું ઓછું હોય તેમ લટકામાં કેટલાય બહુરંગી ફોટા ઉમેર્યા છે. એટલે વાંચવાની સાથે જોવાની પણ મજા!

-----

ઘટના પછી / લે. હિમાંશી શેલત. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ. ૧૨૦ પાનાં, રૂ. ૧૨૦.

સમાજ સાથેની પોતાની નિસબત પ્રગટ થાય એ રીતે લખવામાં સંકોચ ન અનુભવતા આપણા આધુનિક વાર્તાકાર હિમાંશી શેલાતના આ નાનકડા સંગ્રહમાં ચૌદ ટૂંકી વાર્તાઓ સંગ્રહાઈ છે. સંગ્રહનું નામ જ સૂચવે છે તેમ વાસ્તવિક જીવનમાં બનેલી કોઇ ને કોઇ ઘટના આ વાર્તાઓના મૂળમાં રહેલી છે. નિવેદનમાં લેખિકા કહે છેઃ ‘ક્ષુબ્ધતાપ્રેરક ઘટનાઓ પછી સર્જાયેલા વમળો અને એ વમળોથી ઉત્પન્ન થયેલાં પ્રબળ સંવેદનો આ ચૌદ વાર્તાઓના મૂળમાં રહેલાં છે. કેટલીક ઘટનાઓ જો મારી જાણ બહાર રહી હોત તો આમાની મોટા ભાગની વાર્તાઓ કદાચ ન લખાઈ હોત’’. આ વાર્તાઓની ભાષા અને નિરૂપણ રીતિ તેની વિશેષતા બની રહે છે. એક લસરકાથી કામ ચાલે તો લેખિકા બે લસરકા નથી કરતા. પણ આ વાર્તાઓ વાચકના મનમાં લાંબા વખત સુધી સંઘરાઈ રહે તેવી છે.

-----

કૉલોની / લે. સિદ્ધાર્થ પારધે, અનુ. પ્રતિભા મ. દવે. નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ. ૧૯૨ પાનાં, રૂ. ૧૫૦.

હું કોણ? કોનો દીકરો? ક્યાં રહ્યો? ક્યાં મોટો થયો? કઇ રીતે જીવ્યો? કઇ રીતે તર્યો? કોણે તાર્યો? કોણે સંભાળ્યો? આ, અને આવા બીજા અનેક સવાલોના સાચકલા જવાબો એટલે સિદ્ધાર્થ પારધેની આત્મકથા ‘કૉલોની’. દલિત સમાજના એક ગરીબ, અભણ, ઘર વગરના ચોકીદારનો દીકરો આપબળે અને ‘સાહિત્ય સહવાસ’ કોલોનીમાં રહેતા લેખકો અને તેમના કુટુંબીજનોની પ્રેરણા અને મદદથી કઇ રીતે આગળ આવ્યો તેની વાત કરતી આ આત્મકથા મરાઠીમાં તો એક બેસ્ટ સેલર બુક બની ગઈ છે. થોડા વખતમાં તેની ૧૩ આવૃત્તિ છપાઇ છે. ગુજરાતીમાં આવી આત્મકથા ભાગ્યે જ લખાય કે વાંચવા મળે. પ્રસ્તાવનામાં સુભાષ ભેંડેએ કહ્યું છે તેમ ‘‘કપરી ગરીબાઈને મહાત કરીને પોતાની કાબેલિયતથી પોતાના જીવનને સફળ બનાવનાર સિદ્ધાર્થની જીવનકથા અનેકને પ્રેરણા આપશે.’’

-----

લખવૈયાગીરીઃ એક ગૃહિણીની સ્વાદબ્રહ્મથી માંડીને સ્વાદબ્રહ્મ સુધીની સીધી-સાદી સાધના / લે. અરુણા જાડેજા. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ. ૮૬ પાનાં, રૂ. ૫૫.

રસવતી અને સરસ્વતી એ બંનેના જેના પર ચાર હાથ છે અને મરાઠી અને ગુજરાતી એ બંને ભાષાઓની જેના પર અમી દષ્ટિ છે તે લેખિકા અરુણા જાડેજાના આ પુસ્તકમાં સ્વાદ અને શબ્દની જુગલબંદી જોવા મળે છે. અહીં નાનકડી થાળીમાં લેખિકાએ કુલ નવ વાનગી પીરસી છેઃ રોટલો, છાશ, રોટલી, બટાકાનું શાક, ગોળનું દડબું વગેરે. આપણે ત્યાં સામાન્ય રીતે રસોઇ અને પુસ્તકને ખાનારા વાંચનારા, માણનારા અને એને જાણનારા એવા ત્રણ પ્રકારના ભાવકો જોવા મળે છે. આ ત્રણે પ્રકારના ભાવકોને આ પુસ્તકમાંના નવેનવ લેખો ભાવી જાય એમ તો છે જ, પણ એનો સ્વાદ લાંબા વખત સુધી દાઢે વળગી રહે તેમ છે અને આ સ્વાદ તે માત્ર પરિપક્વ વાનગીઓનો જ નહીં, પરિપક્વ, સુસ્વાદુ શબ્દલીલાનો પણ ખરો જ.

-----

દાદા હો દીકરી / સ. કાન્તિ પટેલ. લટૂર પ્રકાશન, ભાવનગર. ૧૭૫ પાનાં, રૂ. ૩૦૦.

આપણે ત્યાં કૌટુંબિક સંબંધોને કેન્દ્રમાં રાખીને પ્રગટ થયેલાં પુસ્તકોમાં માતા પિતા વિશેનાં પુસ્તકો સૌથી વધુ જાવા મળે છે. તે પછી જોવા મળે છે દીકરી વિશેનાં પુસ્તકો. જાણીતા અધ્યાપક અને સંપાદક કાન્તિ પટેલે આ પુસ્તકમાં દીકરીને કેન્દ્રમાં રાખીને લખાયેલી ટૂંકી વાર્તાઓ ભેગી કરીને મૂકી છે. ધૂમકેતુ અને ઝવેરચંદ મેઘાણીથી માંડીને કિરીટ દુધાત અને રાજેન્દ્ર પટેલ સુધીના આપણી ભાષાના વાર્તાકારોની અહીં સંગ્રહાયેલી પચ્ચીસ વાર્તાઓમાં દીકરી અને માવતર વચ્ચેના ભાતીગળ સંબંધો ઉજાગર થતા જોવા મળે છે. વખત જતા દીકરી અંગેના આપણા સમાજના દષ્ટિબિંદુમાં કેવો ફેરફાર થતો ગયો છે તેનો અણસાર પણ આ વાર્તાઓમાં જોવા મળે છે. દીકરી અને માબાપના સંબંધોમાં રણઝણતા વિવિધ સંવેદનો વાચકને અહીં અનુભવવા મળશે.

-----

માતૃ પિતૃ વંદનાઃ માતૃ પિતૃ તર્પણ / સં. હેમરાજ શાહ. નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ. અનુક્રમે ૧૯૨, ૧૭૬ પાનાં. પ્રત્યેકના રૂ. ૧૫૦.

આપણી પરંપરામાં માતા અને પિતાને દેવ માનવાનો ઉપદેશ અપાતો આવ્યો છે. દરેક વ્યક્તિને માટે પોતાનાં માતાપિતા અનન્ય હોય છે. માતા એ માથા ઉપરનું આકાશ છે તો પિતા એ પગ નીચેની ધરતી છે. આ બંને પુસ્તકોમાં જુદાં જુદાં સ્થળ અને સંજોગો ધરાવતી વ્યક્તિઓના બાસઠ લેખો સમાવાયા છે જે માતૃત્વ અને પિતૃત્વનું એક બહુરંગી કોલાજ રચે છે. અંગત સંબંધોની વાતો ઉપરાંત અહીં માતા અને પિતા સાથેના સંબંધમાં રહેલા સૂક્ષ્મ તફાવતની ચર્ચા છે, દીકરા અને દીકરીના પોતાના માતાપિતા સાથેના સંબંધમાં રહેલા ફરકની વાત અહીં છે, તો કેટલાક લેખોમાં વૃદ્ધાશ્રમો અંગે પણ ચર્ચા થઇ છે. આ લેખોની એક લાક્ષણિકતા એ છે કે સાહિત્યને ક્ષેત્રે પ્રતિષ્ઠિત થયેલી કલમો દ્વારા તે લખાયા નથી, પણ કચ્છ શક્તિ સામાયિક દ્વારા યોજાયેલી એક જાહેર નિબંધ સ્પર્ધા માટે લખાયેલા નિબંધોમાંથી અહીં પસંદગી કરવામાં આવી છે. એટલે અહીં આમઆદમીની વાતને વાચા મળી છે.

-----

સોગાત / લે. ખલીલ ધનતેજવી. ઇમેજ પબ્લિકેશન્સ, મુંબઈ. ૧૦૮ પાનાં, રૂ. ૧૫૦.

‘હું સારી રીતે જાણું છું કે મારી ગઝલમાં માણસ માત્રની સંવેદના હોય છે. મારી ગઝલમાં સામાન્ય માણસ બોલતો હોય છે, જ્યારે હું બોલતો સંભળાઉ ત્યારે પણ એ આમ લોકોના સંદર્ભે જ બોલતો હોઉં છું.’ આમ લખનાર ખલીલ ધનતેજવીની ગઝલ કવિતાના જાણકાર અભ્યાસીઓથી માંડીને આમ આદમી સુધીના સૌ કોઇ સુધી સહેલાઈથી પહોંચી જાય છે એટલું જ નહીં લાંબા સમય સુધી તેમાં વસી પણ જાય છે. ‘સાદગી’ અને ‘સારાંશ’ પછી પ્રગટ થયેલા તેમના ત્રીજા ગઝલસંગ્રહ ‘સોગાત’માં તેમની લગભગ સો જેટલી ગઝલો સંગ્રહાઈ છે. આ બધી ગઝલો વાચ્યા પછી, માણ્યા પછી, ગઝલપ્રેમીઓ આ ગઝલકારના જ શબ્દોમાં તેમને કહેવાનાઃ

આજેય પણ ખલીલ અડીખમ છે યાર તું,

ને ચાહકોય દૂર જરા પણ થયા નથી.

-----

વડમામી / લે. અમૃત બારોટ. હર્ષ પ્રકાશન, અમદાવાદ. ૧૭૬ પાનાં, રૂ. ૧૨૫.

‘મારી આ પ્રથમ વાર્તા છે, જે મેં મારી સદ્ગત પત્નીના સ્મરણમાં લખી છે. એમાં ઇડર પંથકની વાત છે, જે એની તળબોલીમાં નિરૂપવાની કોશિશ કરી છે. ભૂતકાળમાં મેં અવલોકેલાં પાત્રો, સ્થિતિઓ, અને પરિવેશમાંથી પ્રેરણા લઇને એ લખાઈ છે. આ વાર્તામાં ઇ.સ. ૧૯૩૫થી ઇ.સ. ૨૦૦૫ સુધીનો સમયગાળો આવરી લેવાયો છે. એમાં વાસ્તવનાં મૂળ હોવાનો મને વિશ્વાસ છે. મારા આ વિશ્વાસની વાચકોને પ્રતીતિ થાય એ મારે માટે અતિ આનંદની વાત હશે.’ નિવેદનમાંના લેખકના આ શબ્દો આ નવલકથાની લાક્ષણિકતા અને વિશિષ્ટતાનો ખ્યાલ આપી દે છે. કૃતિનું શીર્ષક ‘વડમામી’ આખી કથામાં સદેહે ક્યાંય જોવા મળતું નથી છતાં સૂક્ષ્મરૂપે આખી કૃતિમાં સર્વત્ર હાજરાહજૂર છે. ચીલાચાલુ કરતાં એક જુદી જ જાતભાતની નવલકથા.

-----

સ્પંદન Americana/ લે. નંદિની ત્રિવેદી. વિશાલ પબ્લિકેશન, મુંબઇ. ૧૦૯ પાનાં, રૂ. રપ૦ એક તો જાણે અમેરિકા જેવા સ્વપ્નોના મુલકની સફર, તેમાં ભળે ભૂતકાળનાં સપ્તરંગી સ્મરણો. તેમાં ઉમેરાય અનેક નાજુક, તરલ સંવેદનો. અને તેમાં આવી મળે આ બધાની સાથે સંવાદ સાધતા ફિલ્મ સંગીતના સૂરો. તેમાં વળી પ્રકાશકે ઉપરથી છંટકાવ કર્યો છે બહુરંગી ચિત્રોનો, ઊડીને આંખે વળગે એવા પ્રોડકશનનો. આ બધાનું કોકટેલ એટલે નંદિની ત્રિવેદીનું આ પુસ્તક. પછી આપણે તો પેલી ગીતપંક્તિ જ ગણગણવાની રહેઃ ‘હોગા યૂં નશા જો તૈયાર...’ પોતાના નિવેદનમાં લેખિકા કહે છેઃ ‘પ્રવાસ એટલે માત્ર જોવાલાયક સ્થળોની માહિતી જ નહીં, એમાં જે તે સ્થળ સાથે સંકળાયેલાં તમામ પરિચિત-અપરિચિત પાત્રો, સંસ્કૃતિ, સમાજ, સાહિત્ય, સ્થાપત્ય, ઇતિહાસ અને એ બધાં સાથેની અંગત અનુભૂતિનું અનુસંધાન ભળે તો પ્રવાસસ્થળની એક સમગ્ર કૃતિ સર્જાય.’ આવી સમગ્ર કૃતિ સર્જવામાં લેખિકાને ઘણે અંશે સફળતા મળી છે.

-----

હાસ્યેન સમાપયેત/ લે. ભૂપેન્દ્ર ઉપાધ્યાય. નવભારત સાહિત્ય મંદિર, મુંબઇ. ૧ર૧ પાનાં, રૂ. ૧૦૦.

આપણી ભાષામાં હાસ્યલેખો લખનારા લેખકો ઘણા છે, અને તેમનાં ઘણા પુસ્તકો બહાર પડે છે, પણ કેવળ ટૂચકાઓનાં પુસ્તકો બહુ ઓછાં જોવા મળે છે. તેમાંય નરવા, શિષ્ટ, છતાં આપણને બે ઘડી હસાવી જાય તેવા ટૂચકાઓના સંગ્રહો તો ભાગ્યે જ જોવા મળે. ‘હાસ્યેન સમાપયેત’ આવું એક પુસ્તક છે. ભારતીય વિદ્યાભવનના સામયિક ‘નવનીત સમર્પણ’ના વાચકો માટે એક જમાનામાં ભૂપેન્દ્ર ઉપાધ્યાયના આ ટૂચકા ખાસ આકર્ષણ બની રહેતા. સંપાદકે આ બધા ટૂચકાઓને ‘લગ્ન પ્રેમ’થી માંડીને ‘રાજકારણ’ સુધીના વિભાગોમાં ગોઠવ્યા છે. છેવટે પુસ્તકો વિશેના એક ટૂચકાથી જ આ પુસ્તક કેવું તો જાતવાન છે તે જણાઇ આવશેઃ ‘ગોવર્ધનરામ, મશરૂવાળા, સુરેશ જોશી, સીતાંશુની બધી કૃતિઓ મારે ઘેર મોકલાવી આપો. સાથે સાથે વાંચવા જેવી થોડીક ચોપડીઓ પણ મોકલાવજો.’ આ ચોપડી તો વાંચવા જેવી છે જ.
========================
15
નો ટેન્શન, ઓન્લી અટેન્શન
જેટલી વધુ સુવિધાઓ મળતી ગઇ છે આપણા સ્ટ્રેસનું લેવલ વધતું ચાલ્યું છે. નવા વર્ષે લેવા જેવો સંકલ્પ એક જ છે, જે થવાનું હોય તે થાય, ટેન્શન લેવું નહીં.


આજની આપણી લાઈફ સ્ટાઈલ એવી થઈ ગઈ છે કે આપણે હંમેશાં તણાવમાં, ચિંતામાં રહેતા હોઈએ છે. એમાં પણ સ્ત્રીઓની સ્થિતિ તો ઘણી જ નાજુક. એક તરફ ઘર અને બીજી તરફ ઓફિસ. બેઉ મોરચે ઝઝુમવાનું હોય છે. મોટા ભાગની સ્ત્રીઓને ચિંતા થાય છે કે રસોઈ બરાબર બની છે કે નહીં? શાકમાં મસાલો બરાબર થયો છે કે નહીં? બાળકોનું હોમવર્ક પૂરું થયું કે નહીં, ટિફિન તૈયાર થયું, પતિદેવે નાસ્તો કર્યો કે નહીં? આટલી બધી અને આટલા બધા લોકોની ચિંતા કરનાર સ્ત્રી નિશ્ચિતપણે પોતાના પર સૌથી ઓછું ધ્યાન આપતી હોય છે. પતિ અને બાળકોની દેખભાળ કરવામાં, તેમની જરૂરિયાત પૂરી કરવામાં અને ઓફિસમાં કામ કરવામાં વર્કિંગ વુમન પોતાનો આખો દિવસ વિતાવે છે, પરંતુ ઓફિસમાં જતી વખતે ફક્ત કાજલ અને લિપસ્ટિક લગાડવાનું તેને યાદ રહે છે જેથી નવથી પાંચ દરમિયાન તેની સુંદરતા નીખરી ઊઠે. જો તમે બીજાનું ધ્યાન રાખી શકો છો, તો પોતાનું ધ્યાન કેમ ન રાખી શકો? મેકઅપ આર્ટિસ્ટ નિશા શાહ અનુસાર ફક્ત ૫૫ ટકા વર્કિંગ વુમન પોતાના સૌંદર્ય વિષે જાગૃત છે. શારીરિક અને માનસિક તણાવને કારણે સ્ત્રીના સૌંદર્ય પર પણ અસર થાય છે. તેથી જો તમે ઈચ્છતા હો કે બધી જવાબદારી પૂર્ણ કર્યા પછી પણ તમારું સૌંદર્ય અકબંધ રહે તો પ્રસ્તુત છે થોડી ટિપ્સ.

ડી-સ્ટ્રેસઃ ચિંતાને કારણે ચહેરા પર કરચલી પડે છે તે માટે સવારે ઊઠતાવેંત સ્ટ્રેચિંગ અને પછી થોડા ઊંડા શ્વાસ લો તમને સારું લાગશે. આ ક્રિયા તમે બપોરે ઓફિસમાં પણ કરી શકો છો. લંચ પહેલાં કરો તો સારું અને ખાસ તો જ્યારે કામનું દબાણ વધારે હોય ત્યારે રિલેક્સ થવા માટે ઊંડા શ્વાસ લો. કોઈ પણ કામ શરૂ કરતા પહેલાં મેડિટેશન કરો. થોડી મિનિટ માટે ‘ઓમ’નું રટણ કરો અથવા તો પછી જે શ્લોક કે ભજનથી તમને સારું લાગતું હોય તેનું રટણ કરો. જો તમે દરરોજ પાંચ-દસ મિનિટ સુધી મેડિટેશન કરશો તો તમને ઘણું સારું લાગશે અને સૌંદર્ય પણ નિખરશે.

પાણી એક અદ્ભુત શક્તિઃ સવારે ઊઠીને બે-ત્રણ ગ્લાસ પાણી પીઓ, બની શકે તો એક લીટર પાણી પી જાવ. ભલે તમારું પેટ ફુલવા લાગે અને બધું પાણી મોઢામાંથી બહાર નીકળી જાય. આમ થવાથી શરીરની અંદર રહેલા ઝેરી ટોક્સિન બહાર નીકળી જશે અને તમારું પેટ સાફ થઈ જશે. આમ થવાથી ચહેરા પર ગ્લો આવી જશે.

પાણીનો છંટકાવઃ બ્રશ કરવા પહેલાં ચહેરા પર ઠંડા પાણીનો છંટકાવ કરો. નહાવાના પાણીમાં થોડા ટીપાં એરોમેટિક ઓઈલના નાખીને ચહેરા પર છંટકાવ કરો. આનાથી તાજગીનો અહેસાસ થશે. ત્વચાને કોમળ બનાવવા માટે સ્નાન કર્યા બાદ હેન્ડ અને બોડીલોશન લગાવો.

સનસ્ક્રીન જરૂરીઃ બહાર નીકળતા પહેલા સનસ્ક્રીન લોશન લગાવો. આંખોની આસપાસની ત્વચાને યૂવી પ્રોટેક્શન આપવા માટે ડાર્ક ગ્લાસીઝ ઈઝ મસ્ટ.

ચહેરો સાફ કરોઃ દિવસભરના થકવી નાખતા કામ પછી ઘેર આવ્યા બાદ ઠંડા દૂધમાં કોટન બોલ ભીંજાવીને ચહેરો સાફ કરો. આ એક બહેતરીન ક્લિયરન્સનું કામ કરશે. સાથે જ ત્વચાને ઠંડક પ્રદાન કરશે. ત્યાર બાદ એસ્ટ્રીજન્ટ લગાવો. ઠંડા પાણીથી બહેતર કોઈ એસ્ટ્રિજન્ટ નથી. તેથી ઠંડા પાણીની છાલક મારો. તેના પછી હર્બલ ફેસપેક અથવા મોઈશ્ચરાઈઝર લગાવો.

ટેનિંગ દૂર કરોઃ અગર ત્વચા ટેન થઈ ગઈ હોય તો એક ચમચી મધમાં થોડું વિનેગર નાખીને ૧૫ મિનિટ લગાવો. પાણીથી સાફ કરીને મિનરલ મોઈશ્ચરાઈઝર લગાવો.

ત્વચા પરની કરચલી માટેઃ કોર્નફલોરમાં મધ મેળવીને પેસ્ટ બનાવો અને કરચલી પર લગાવો.

ફુટ સ્પાઃ પગની થકાન દૂર કરવા માટે એક બાલદી ગરમ પાણીમાં મીઠું અને ફટકડી નાખો પછી પગ તેમાં રાખો. પાણી ઠંડું થઈ જાય ત્યારે ફૂટ ક્રીમ અથવા બીજું કોઈ ક્રીમ લગાડો.

આંખોને આરામઃ સૂતા પહેલા આંખ પર કાકડીના પતીકા કરીને મૂકો. આનાથી ડાર્ક સર્કલ્સ પણ દૂર થાય છે.

ઊંઘ જરૂરીઃ આઠ કલાકની ઊંઘ જરૂરી છે. પર્યાપ્ત ઊંઘ એ કામ કરે છે જે મેકઅપ, હર્બલપેક કે મોઈશ્ચરાઈઝર પણ નથી કરી શકતા. સૂવાને કારણે શરીરનાં અવયવોને પણ આરામ મળે છે. આ આઠ કલાકમાં શરીરનાં બધાં જ અવયવોને રીપેર કરવાનો સમય મળી જાય છે.

વીક એન્ડ બ્યુટી ટ્રીટમેન્ટઃ વીક એન્ડ માટે અલગ બ્યુટી રૂટીન બનાવો. પોતાની માટે શુક્ર, શનિ બુક કરી રાખો અને સ્પાર્કલિંગ સન્ડેની મોજ માણો.

શુક્રવારઃ સૌ પ્રથમ રૂમ બંધ કરીને અરીસાની સામે ઊભા રહીને પોતાની જાતને જુઓ. પાછલા પંદર દિવસમાં કોઈ બદલાવ તો નથી આવ્યો ને? મેજરટેપ લઈને તપાસો કે ક્યાં ફેટ જમા થઈ ગઈ છે અને ઘટાડવાની જરૂર છે. પછી વિચારો કે ક્યાં ખુદને બદલવાની જરૂર છે પછી તે હેર સ્ટાઈલ હોય કે ફેસ લિફટિંગ. પછી નક્કી કરી લો કે આગલા બે દિવસમાં કેવી રીતે કયા ફેરફાર કરવાના છે. શનિવારનો દિવસ એકશન ડે છે.

શનિવારઃ ડીપ બ્રિધિંગથી દિવસની શરૂઆત કરો. આ દિવસે ઉપવાસ કરી શકો છો. આખો દિવસ ફ્રુટ જ્યુસ અથવા પાણી પર રહો. પરિવાર માટે ઈન્સ્ટન્ટ ફુડ ચાલે. બાળકોને તેમની મનપસંદ મેગી, કોર્નફલેક્સ, કેક, સેન્ડવિચ આપી શકાય. તેથી તમારો સમય રસોઈ બનાવવામાંથી બચશે. ઉપવાસથી શરીરની અંદરથી સફાઈ થશે અને રોજની ઈટિંગ હેબીટમાં બ્રેક લાગશે. થોડી મિનિટ કસરત કરો. સ્કીપીંગ કે જોગિંગ કરો. પછી એક ગ્લાસ જ્યુસ પીવો. પછી હેર કટ, હેર કલર, થ્રેડિંગ જેની જરૂર હોય તે કરાવો. ફેશિયલ માસ્ક લગાવીને રીલેક્સ થાવ. જલદી સૂઈ જાવ અને પ્રિય વ્યક્તિઓ સાથે ફોન પર વાત કરો જેથી માનસિક આનંદ મળે. પછી કોઈ સારું પુસ્તક વાચતા વાચતા નિદ્રાધીન થઈ જાવ.

રવિવારઃ રવિવારે આરામથી ઊઠો પછી બાલ્કનીમાં બેસીને અખબાર વાચતા વાચતા ગરમાગરમ કોફી અથવા ઠંડા ઠંડા કૂલ કૂલ જ્યુસની ચુસ્કીઓ ભરવાનો આનંદ લો. કસરત કરવાનું નહીં ભૂલતા. ડાયેટનું પણ ધ્યાન રાખો. થોડે થોડે અંતરે થોડું થોડું ખાવ. પ્રોટીન વધારે અને કાર્બોહાઈડ્રેટ ઓછું લો. આજે આરામનો દિવસ છે, તેથી ગમતી પ્રવૃત્તિ કરો. બાગબાની કરો, સંગીત સાંભળો. વર્કિંગ વુમને રવિવારે તૈયાર થવાની, મેકઅપ કરવાની જરૂર નથી, એવું લોકો માને છે પણ તમે તેમ ન કરતા. મેનીક્યોર, પેડીક્યોર કરાવો, નેઈલપેન્ટ કરો. લાઈટ મેકઅપ કરો. તમને ખુદને સારું લાગશે. મેકઅપના વિવિધ પ્રયોગ પણ કરીને તમારા પર વધારે શું સારું લાગે છે તે નક્કી કરી શકો છો. સમયસર ડિનર લઈને સમયસર સૂઈ જાવ તેથી સોમવારે તમે તાજામાજા મૂડ સાથે ઓફિસે જઈ શકો.
===================





     
 
what is notes.io
 

Notes.io is a web-based application for taking notes. You can take your notes and share with others people. If you like taking long notes, notes.io is designed for you. To date, over 8,000,000,000 notes created and continuing...

With notes.io;

  • * You can take a note from anywhere and any device with internet connection.
  • * You can share the notes in social platforms (YouTube, Facebook, Twitter, instagram etc.).
  • * You can quickly share your contents without website, blog and e-mail.
  • * You don't need to create any Account to share a note. As you wish you can use quick, easy and best shortened notes with sms, websites, e-mail, or messaging services (WhatsApp, iMessage, Telegram, Signal).
  • * Notes.io has fabulous infrastructure design for a short link and allows you to share the note as an easy and understandable link.

Fast: Notes.io is built for speed and performance. You can take a notes quickly and browse your archive.

Easy: Notes.io doesn’t require installation. Just write and share note!

Short: Notes.io’s url just 8 character. You’ll get shorten link of your note when you want to share. (Ex: notes.io/q )

Free: Notes.io works for 12 years and has been free since the day it was started.


You immediately create your first note and start sharing with the ones you wish. If you want to contact us, you can use the following communication channels;


Email: [email protected]

Twitter: http://twitter.com/notesio

Instagram: http://instagram.com/notes.io

Facebook: http://facebook.com/notesio



Regards;
Notes.io Team

     
 
Shortened Note Link
 
 
Looding Image
 
     
 
Long File
 
 

For written notes was greater than 18KB Unable to shorten.

To be smaller than 18KB, please organize your notes, or sign in.